પ્રકાશનું પર્વ:અમરેલીની બજારોમાં હકડેઠ્ઠઠ મેદની, પ્રવાસન સ્થળો તરફ યાત્રિકોનો ધસારો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ઉમંગ અને ઉલ્લાસથી ઉજવાશે પ્રકાશનું પર્વ

સમગ્ર અમરેલી જિલ્લામા આવતીકાલે અસત્ય પર સત્યના વિજયને વધાવતા પ્રકાશના પર્વ દિપાવલીની ભારે ઉમંગ અને ઉલ્લાસ પુર્વક ઉજવણી કરવામા આવશે. અમરેલીની બજારમા આજે દિપાવલી પર્વની અનોખી રોનક નજરે પડી હતી. લોકોના ઘર આંગણાઓ રંગોળીથી શોભી ઉઠયાં છે. અને શહેરે જાણે રોશનીનો શણગાર સજયો છે.

અમરેલી જિલ્લાના ગ્રામિણ વિસ્તારમા પણ દિપાવલી પર્વનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે યુવા વર્ગ ધંધાર્થે રાજયના અન્ય શહેરોમા વસતો હોય આ ગામડાઓ આડા દિવસે ખાલીખમ નજરે પડે છે. પરંતુ આ યુવા વર્ગ દિપાવલીનો તહેવાર અચુક વતનમા ઉજવે છે. ધંધાર્થે બહાર વસતા લોકોનુ વતનમા આગમન થતા જ આ વિસ્તારના ગામડાઓ પણ હર્યાભર્યા બન્યા છે. તો બીજી તરફ અમરેલી શહેરમા આજે દિપાવલી પુર્વે ધુમ ખરીદી નીકળી હતી. સવારથી જ બજારમા હકડેઠ્ઠઠ મેદની જોવા મળી હતી. અમરેલીની બજારમા બપોર સુધી જાણે પગ મુકવાની જગ્યા ન હતી.

બપોરના સમયે ટ્રાફિક થોડો હળવો થયો હતો પરંતુ સાંજના સમયથી ફરી એકવાર બજાર ખરીદદારોથી ઉભરાઇ હતી. આજે બીજા દિવસે પણ ધનતેરસના મુર્હુત હોય લોકોએ સોના ચાંદીની શુકનવંતી ખરીદી કરી હતી. ઉપરાંત ફટાકડા, રંગોળીના રંગો અને રોશનીનો સરસામાન, ફરસાણ અને મીઠાઇ, સુકામેવાથી લઇ ફળફળાદી અને શાકભાજી, રેડીમેઇડ ગારમેન્ટસ, ઇલેકટ્રોનિકસ આઇટમો, કટલેરી અને હેાઝીયરી, ફુલ બજાર વિગેરેમા ભારે ઘરાકી નીકળી હતી. બલકે પેટ્રોલ ડિઝલનુ વેચાણ પણ બમણુ થયુ હતુ.

બીજી તરફ સુરત અમરેલી અને અમદાવાદ તરફથી અમરેલીનો ભરચક્ક ટ્રાફિક આજે પણ શરૂ રહ્યો હતો. સાથે સાથે અમરેલી આસપાસના વિસ્તારમા પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓની ભીડ પણ વધી હતી. ધારી નજીક આવેલા ખોડિયાર ડેમ અને આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીઓનો ધસારો હતો. મધ્યગીરમા તુલસીશ્યામ મંદિર ખાતે મોટી સંખ્યામા ભાવિકો દર્શનાર્થે ઉમટી પડયા હતા. ઉપરાંત સોમનાથ દિવ તરફ જતા યાત્રિકો અને ગીર જંગલના ધર્મસ્થાનો તરફ જતા યાત્રિકોની સંખ્યા પણ વધી છે. આવનારા એક સપ્તાહમા અહી ગીરનુ જંગલ પ્રવાસીઓથી ધમધમી ઉઠશે.

અન્ય સમાચારો પણ છે...