બાબરામાં માર્કેટિંગ યાર્ડ સામે રહેતા એક યુવાનને અમદાવાદની યુવતીએ જમીન લે-વેચના નામે ફોન પર વાતચીત કરી બાદમાં રૂબરૂ મળવા બોલાવી અન્ય ચાર શખ્સની મદદથી કારસામાં ફસાવ્યો હતો અને દોઢ કરોડ વસૂલવા ધમકીઓ આપી હતી. તેણે યુવતી સાથે શરીરસંબંધ બાંધ્યો છે તેવો આક્ષેપ કરી અંતે 5 લાખ વસૂલવા તેની પાસેથી ચેક પણ લઇ લીધા હતા. જે મામલે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતી સહિત 5 શખ્સોને દબોચી લીધા છે.
યુવતી જમીન-ગાયોની લે-વેચ માટે મળવાનું કહેતી
બાબરામાં યાર્ડ સામે રામદેવનગર સોસાયટીમાં રહેતા 42 વર્ષીય ભરતભાઇ અમરશીભાઇ કરકર સાથે આ ઘટના બની હતી. એક યુવતી અને ચાર યુવાને તેને ફસાવવા જાળ નાખી હતી. એસી, ફ્રીઝ રિપેરિંગનું કામ કરતા આ યુવકના ફોન પર ત્રણેક માસ પહેલાં અજાણી યુવતીનો ફોન આવ્યો હતો અને જમીન લે-વેચના કામ માટે રાજકોટ રોડે મામાપીરના મંદિરે બોલાવ્યો હતો. ઔપચારિક વાત કરી બંને છૂટાં પડ્યાં હતાં. ત્યારબાદ આ યુવતીનો અવારનવાર ફોન આવતો હતો અને જમીન અને ગાયોની લે-વેચની વાતો કરી તમને મળવા માગું છું તેમ કહેતી હતી.
યુવક સાથે મારપીટ પણ કરી હતી
ગત 30મી તારીખે આ યુવતીનો ફરી ફોન આવ્યો હતો અને તે બાબરા આવી હોઇ મળવા આવવા કહ્યું હતું. જેથી ભરતભાઇ કરકર પોતાનું બાઇક લઇ કરિયાણા રોડે ગયા હતા. અવાવરું જગ્યાએ ઊભેલી યુવતી બાઇક પર બેસી ગઇ હતી. જ્યાંથી બંને તાઇવદરના કાચા ગાડા માર્ગે ગયાં હતાં. જોકે યુવતીની હરકતો બરાબર ન હોઇ તેણે બાઇક પાછું વાળી લીધું હતું. જોકે બાબરામાં કરિયાણા રોડે પહોંચતાં એક ઇકો કાર આડી ઊતરી હતી. તેમાં બેઠેલા ચાર શખ્સે બળજબરી કરી તેને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. કારમાં બેઠેલા યુવકોએ વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું. જેમાં યુવતીએ આ યુવક સાથે શરીરસંબંધ બાંધ્યો હોવાની કબૂલાત આપી હતી. અને બાદમાં યુવકને પણ આવી જ કબૂલાત કરવા દબાણ કરાયું હતું. જે ન કરતા તેને મારકૂટ પણ કરવામાં આવી હતી. આ યુવકને કારમાં ગઢડાથી આગળ સુધી અપહરણ કરી લઇ જવાયો હતો આ પ્રકરણમાંથી છૂટવા દોઢ કરોડ માંગ્યા હતા.
અંતે 5 લાખની માગણી કરી હતી
બાદમાં 50 લાખ અને અંતે 5 લાખની માગણી કરાઇ હતી. જોકે આ યુવક પાસે રકમ ન હોય તેના પુત્ર મારફત ચાર કોરા ચેક મગાવી લખાવી લીધા હતા. 5 લાખની રોકડ ચૂકવી આ ચાર ચેક લઇ જવાનું કહી યુવકને છોડી દેવાયો હતો. બે દિવસ સુધી નાણાંની વ્યવસ્થા ન થયા બાદ આખરે આ યુવાને બાબરા પોલીસ મથકે દોડી જઇ મનીષા નામની આ અમદાવાદ પંથકની યુવતી તથા 4 સામે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.
પત્નીએ સાથ આપતાં ફરિયાદ નોંધાવી હતી
યુવકને છોડી દેવાયા બાદ પણ આ યુવતીનો 5 લાખ માટે ફોન આવતો હતો. શરૂઆતમાં યુવકે કોઇને વાત કરી ન હતી. પરંતુ અંતે પોતાની પત્નીને વાત કરી હતી. અને પત્નીએ સાથ આપતાં તે પત્નીને લઇ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં યુવતી સહિત 5 શખ્સોને ઝડપી લીધા છે અને અગાઉ આ શખ્સોએ કોની કોની જોડે આવું કર્યું છે એ દિશામાં તપાસ હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપીઓ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.