લીલીયાની વર્તમાન સ્થિતિ જાણે અંધેર નગરી જેવી બની છે. અહી અમરેલી માર્ગ આરસીસી બનાવવા રૂપિયા 20 લાખના ખર્ચે મંજુર થયો હોય 20 દિવસથી ખોદકામ બાદ કામ બંધ કરી દેવાયુ છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમા મુકાયા છે. લીલીયામા અમરેલી માર્ગ 120મીટર 19 ઇંચની થીકનેશવાળો રૂપિયા 20 લાખના ખર્ચે બનાવવા માટે મંજુરી મળી છે. જો કે માર્ગ મકાન વિભાગ દ્વારા પાછલા વીસેક દિવસથી માર્ગનુ ખોદકામ કરી નખાયુ છે પરંતુ માર્ગ બનાવવાની કામગીરી બંધ કરી દેવાતા લોકો અને મોટા વાહનોને નાવલી બજારમાથી પસાર થવુ પડી રહ્યું છે.
આ પ્રશ્ને અનેક વખત રજુઆત કરી હોવા છતા તંત્ર દ્વારા માર્ગની કામગીરી શરૂ કરવામા આવતી નથી. જેના કારણે લોકોમા રોષ જોવા મળી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા નાવલી બજારમા ટ્રેનનો ડબો લઇને જઇ રહેલા તોતીંગ ટ્રકે ત્રણ વિજપોલ પાડી નાખ્યા હતા જેના કારણે કલાકો સુધી લોકોને કલાકો સુધી અંધારપટમા રહેવુ પડયુ હતુ. તો બીજી તરફ હાલ ચોમાસામા અહી કાદવ કિચડના કારણે પણ લોકોને હાડમારી વેઠવી પડી રહી છે. આ માર્ગ પર ધંધો કરતા વેપારીઓને પણ ગ્રાહકો આવતા ન હોય પરેશાની વેઠવી પડી રહી છે. ત્યારે તાકિદે માર્ગનુ કામ શરૂ કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.
જેટલી થીકનેશનો માર્ગ છે તેટલો ઉંડો ઉતારી બનાવો: દિનેશભાઇ
સ્થાનિક રહિશ દિનેશભાઇ હોથીએ જણાવ્યું હતુ કે અમરેલી માર્ગનુ નવિનીકરણ ચાલી રહ્યું છે તે માર્ગ 19 સે.મીની થીકનેશ છે તે માર્ગ તેટલો જ ઉંડો ઉતારી બનાવવો જોઇએ નહિતર ચોમાસામા વરસાદી પાણીના નિકાલની સમસ્યા કાયમી રહેશે.
ટુંક સમયમાં માર્ગનું કામ શરૂ કરાશે
માર્ગ મકાન વિભાગના બરવાળીયાએ જણાવ્યું હતુ કે ભુગર્ભ ગટરની કુંડીઓ અને પાઇપ લાઇનો ખોદકામ દરમિયાન તુટી ગયેલ હોય તે સ્થાનિક પંચાયત અને જવાબદાર તંત્ર રીપેરીંગ કરશે. બાદમા તુરંત માર્ગનુ કામ શરૂ કરી દેવામા આવશે. - બરવાળિયા, માર્ગ, મકાન વિભાગ
એક પણ ગ્રાહક દુકાને આવ્યો નથી
સ્થાનિક વેપારી અનીલભાઇ વંડ્રાએ જણાવ્યું હતુ કે હું સાયકલ રીપેરીંગ અને પંકચર કામ કરૂ છું. છેલ્લા 20 દિવસથી માર્ગ ખોદાયા બાદ એકપણ ગ્રાહક દુકાને આવ્યો નથી. જેથી આર્થિક નુકશાન વેઠવુ પડી રહ્યું છે. - અનીલભાઇ વંડ્રા, સ્થાનિક વેપારી
માર્ગનું કામ તાકિદે પૂર્ણ કરો
અહીના ઉપસરપંચ વિજયભાઇ શેખલીયાએ જણાવ્યું હતુ કે જવાબદાર તંત્રએ ભુગર્ભ ગટર પ્રશ્ન, પાણીની પાઇપ લાઇન સહિતના પ્રશ્નોનુ તાકિદે નિરાકરણ લાવી માર્ગનુ કામ તાકિદે શરૂ કરવુ જરૂરી છે. - વિજયભાઇ શેખલિયા, ઉપસરપંચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.