તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમગ્ર દેશમાં અમરેલીનો મૃત્યુદર સૌથી ઓછો!:વાહવાહી માટે તંત્રએ છુપાવ્યો મૃત્યુદર? દેશમાં મૃત્યુદર 1.08 ટકા ગુજરાતમાં 1.25 ટકા પણ અમરેલીમાં માત્ર 0.88 ટકા દેખાડયો!

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અમરેલી જિલ્લામાં સૌ પ્રથમ વખત રેકોર્ડ બ્રેક 212 પોઝિટીવ કેસ અને એકનું મોત
  • સિવીલ કોરોના વોર્ડમાં પ્રથમવાર 40 બેડ ખાલી

રાજ્યના અન્ય જીલ્લામાંથી સજામાં અમરેલી જિલ્લામાં મુકાયેલા અધિકારીઓ પોતાની વાહવાહ કરાવવા આ જિલ્લાની જનતાને પીડા આપી રહ્યા છે. પાછલા બે મહિનાથી જિલ્લામાં કોરોનાથી લોકો ટપોટપ મરી રહ્યા છે. પરંતુ અમરેલી જિલ્લાનું તંત્ર આંકડાઓ છુપાવી રહ્યુ છે. હદ તો ત્યારે થઇ કે આરોગ્યની અપૂરતી સુવિધાઓ અને આધુનિક સગવડો ન હોવા છતાં સમગ્ર દેશ અને ગુજરાત કરતા પણ મૃત્યુદર અમરેલી જિલ્લામાં ઓછો બનાવી દેવાયો છે.

સુવિધા આપવાની જગ્યાએ આંકડાની રમત
અમરેલી સિવિલ હોસ્પિટલમાં માત્ર 25 વેન્ટિલેટર છે. ખાનગી હોસ્પિટલમાં પણ આંગળીના વેઢે ગણાય તેટલા વેન્ટિલેટર છે. અહીં રાજ્યના અન્ય શહેરો જેવી આધુનિક આરોગ્ય સુવિધાઓ નથી. પ્લાઝમા થેરાપી પણ થઇ રહી નથી. કોઈ મોટી ખાનગી હોસ્પિટલ નથી. 18થી ઉપરના યુવાઓને વેક્સિનેશન માટે આ જિલ્લાનો સમાવેશ કરાયો નથી. આમ છતાં સ્થાનિક તંત્ર માત્ર પોતાની વાહવાહી થાય તે માટે આંકડાઓની રમત રમી રહ્યું છે. અધિકારીઓ લોકોની સુવિધા વધે તે માટે ધ્યાન આપવાના બદલે પોઝિટિવ કેસ અને મૃત્યુના આંક છુપાવવાની રમત રમી રહ્યા છે.

સમગ્ર દેશ-રાજ્ય કરતાં પણ ઓછો મૃત્યુદર
વહીવટીતંત્રે કાગળ પર એવો ચમત્કાર કર્યો કે કોરોનાથી મૃત્યુ દર સમગ્ર દેશ અને ગુજરાતની સરેરાશ કરતાં પણ ઓછો દેખાડી દીધો. સમગ્ર દેશમાં કોરોનાના કારણે 1.08 ટકા દર્દીના મોત થયા છે. જ્યારે ગુજરાતમાં 1.25 ટકા દર્દીના મોત થયા છે. તેની સરખામણીમાં અમરેલી જિલ્લાનું વહીવટીતંત્ર 7મી માર્ચ સુધીમાં માત્ર 0.88 ટકા દર્દીના મોત થયાનું દર્શાવી રહ્યું છે. હકીકત તો એ છે કે સમગ્ર દેશ અને ગુજરાતના આંકમાં પણ સાચું ચિત્ર નહીં હોવાનું મનાય છે. ત્યારે અમરેલી જિલ્લાના વહીવટી તંત્ર રજૂ કરેલું ચિત્ર તો કોઈને ગળે ઉતરે તેવું નથી.

ગ્રામીણ વિસ્તારની હાલત કથળી
જો આરોગ્ય વિભાગનું માનિએ તો છેલ્લા બે માસમાં અમરેલી જિલ્લામાં કોરોનાથી 20 દર્દીના મોત થયા છે. પરંતુ હકીકત એ છે કે આટલા મોત તો કોઈ એક નાના ગામમાં થયા છે. ધારી બગસરા કુંડલા વિસ્તારના અનેક ગામો એવા છે જયા મોટી સંખ્યામાં દર્દીઓના મોત થયા છે. સાચો મૃત્યુઆંક બતાવવામાં લોકોમાં કદાચ થોડો ડર વધુ ફેલાયો હોત પરંતુ તેની સાથે સાથે લોક જાગૃતિ પણ વધી હોત તે વાત આ નિમ્ભર તંત્ર સમજી શક્યું નથી. બીજી તફર અમરેલી જિલ્લામાં આજે સૌથી વધુ 212 પોઝિટિવ કેસ આવ્યા હતા. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની હાલત કથળી રહી છે.

​​​​​​​જિલ્લાના આરોગ્ય તંત્રએ આંકડાઓ છુપાવી માત્ર 112 પોઝિટિવ કેસ દર્શાવ્યા હતા. ગાંધીનગર આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં આજે કોરોનાના 212 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં એક જ દિવસમાં આ સૌથી વધુ કેસ નોંધાયા છે. જોકે સ્થાનિક આરોગ્ય તંત્ર આજે 112 કેસ નોંધાયા હોવાનું જણાવી રહ્યું છે. બીજી તરફ અમરેલી સિવીલમાં કોરોનાના દર્દીઓનું ભારણ ઘટી રહ્યું છે. સિવિલમાં કોરોના વોર્ડમાં આજે 40 બેડ ખાલી હતા. એક સમયે અમરેલી સિવીલમાં પણ બેડ મેળવવાની મુશ્કેલી હતી. મોટાભાગના દર્દીઓ માઈલ્ડ લક્ષણો ધરાવતા હોય કેસ વધવા છતાં હોસ્પિટલો પરનું ભારણ ઘટી રહ્યું છે.

સ્મશાનમાં વેઇટિંગ પણ તંત્ર કહે એકેય મોત નહીં
અમરેલીના નગરજનો એ દિવસો ક્યારેય ભૂલી નહીં શકે જ્યારે સ્મશાનમાં કલાકો સુધી વેઇટિંગ ચાલતું હતું. પરંતુ તંત્ર તે દિવસે એકેય મોત ન હોવાનું કહેતું હતું. અહી લોકો આજુબાજુના ગામોમાં સ્મશાનમાં જઇ મૃતદેહના અંતિમ સંસ્કાર કરતા હતા.

10 વેન્ટિલેટર ઉપયોગ વગરના
અમરેલી સિવીલમાંથી ૫ વેન્ટિલેટર રાધિકા હોસ્પિટલમાં અને 5 વેન્ટિલેટર નર્સિંગ હોસ્ટેલમાં મોકલાયા છે. પરંતુ અહીં દર્દીઓને વેન્ટિલેટર ચાલુ નથી તેવું બહાનું બતાવી સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવે છે. આ વેન્ટિલેટરનો પુરેપુરો ઉપયોગ થવો જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...