સન્માન:અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી આર.સી.મકવાણાના અધ્યક્ષ સ્થાને જિલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રેષ્ઠ સમાજના ઘડતરમાં શિક્ષકોનું યોગદાન મહત્ત્વપૂર્ણ જિલ્લા - મંત્રી આર.સી. મકવાણા
  • અમરેલી જિલ્લા અને તાલુકાના 12 શિક્ષકોને 'શ્રેષ્ઠ શિક્ષક' તરીકે સન્માનીત કરવામાં આવ્યા

રાજ્યના શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમરેલીના સંયુક્ત ઉપક્રમે અમરેલી જિલ્લાના તાલુકા તથા જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ સામજિક ન્યાય અધિકારિતા રાજ્યમંત્રી અને અમરેલી જિલ્લા પ્રભારીમંત્રી આર.સી.મકવાણાના અધ્યક્ષ સ્થાને અમરેલી સ્થિત ઓક્સફોર્ડ સ્કૂલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા તથા તાલુકા કક્ષાના 12 શ્રેષ્ઠ શિક્ષકોને 'પ્રશસ્તિ પત્ર' તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષકોને સંબોધતા પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે, સમાજમાં શિક્ષકોનું સ્થાન સૌથી સર્વોચ્ચ છે. શ્રેષ્ઠ સમાજના ઘડતરમાં શિક્ષકોનું યોગદાન મહત્ત્વપૂર્ણ છે. જે શિક્ષકો સ્વાર્થ વગર આત્મસંતોષ માટે શિક્ષણકાર્યમાં નિરંતર જોડાયેલા રહે છે તે 'શ્રેષ્ઠ શિક્ષક'ના સન્માન સુધી પહોંચી શકે છે. શિક્ષકો પોતાનું સમગ્ર જીવન બાળકોને સમર્પિત કરતા હોય છે ત્યારે આપણે સૌ સાથી મળીને જે ઘટતું છે તે કરી અને શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકીએ છીએ.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, કન્યા કેળવણી મહોત્સવની પરંપરાએ રાજ્યના શિક્ષણ જગતમાં આમૂલ પરિવર્તન આણ્યું છે, જેના વિશે વાત કરતા રાજ્ય મંત્રી આર.સી. મકવાણાએ ઉમેર્યું હતું કે અમરેલી જિલ્લાથી લઈને દરિયા પટ્ટીમાં એક સમયે જે મોટી માત્રામાં ડ્રોપઆઉટ રેશિયો જોવા મળતો હતો તે આજે ઝીરો ટકા થઈ ગયો છે. શાળા પ્રવેશોત્સવ વખતે નાના-નાના લોકો પણ આગળ આવી અને બાળકોને શૈક્ષણિક કિટ આપી પ્રોત્સાહિત કરતા હોય છે જેનાથી બાળકોના ઉત્સાહમાં પણ વધારો થયો છે. આ કાર્યક્રમમાં પ્રભારીમંત્રીએ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન મેળવનારા તમામ શિક્ષકોને ઉજ્જ્વળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.

આજના કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ ચાવડા ઉમેશભાઈ જેઠાભાઈ, ખુમાણ અજયકુમાર નજુભાઈ, ચૌહાણ પ્રહલાદ કેશવલાલનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તાલુકા કક્ષાએ ધાંધિયા દિવ્યાબેન ગૌરીશંકર, સુતરિયા નિધિબેન મહેશભાઈ, પરમાર જ્યોત્સનાબેન વાલજીભાઈ, સોલંકી પ્રકાશકુમાર દુદાભાઈ, મેવાડા મનસુખલાલ પુંજાભાઈ, સુખડિયા અસ્મિતાબેન ઘનશ્યામભાઈ, ગેવરિયા સોનલબેન કાનજીભાઈ, કડેવાળ ભાવેશભાઈ મનસુખભાઈ, ચાવડા પરેશકુમાર મોહનભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સાંસદ નારણ કાછડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ, રેખાબેન મોવલિયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાત, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તુષારભાઈ જોશી, જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય, ડાયટના આચાર્ય દક્ષાબેન પાઠક, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જી.એમ.સોલંકી, જિલ્લા-તાલુકા શિક્ષક-આચાર્ય સંઘના પ્રમુખઓ, હોદ્દેદારો, શિક્ષકો અને શિક્ષણવિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...