અમરેલીમાં મોબાઈલની ચોરી થઈ હોવાની e-FIR થઈ હતી. જેને પગલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે બાદ તપાસ હાથ ધરતા એક ઈસમને ચોરી થયેલા મોબાઈલ સાથે દબોચી લીધો હતો. અમરેલી પોલીસે મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
બસમાં ચડતી વખતે મોબાઈલની ચોરી
ગુજરાત સરકાર દ્વારા નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવુ ન પડે, અને ઘરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા e-FIR ની સુવિધાનો પ્રારંભ કરવામા આવ્યો છે ત્યારે અમરેલીમાં ગઇ તા.09/09/2022 ના રોજ ભગુભાઇ દાનાભાઇ મકવાણા નાગનાથ મંદિર પાસે નાના બસ સ્ટેન્ડ બસની રાહ જોઇ ઉભા હતા, તે દરમિયાન બસમાં ચડતી વખતે શર્ટના ખીસ્સામાં રાખેલ પોતાનો મોબાઇલ ફોન કિં.રૂ.5,000/- નો કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. જે અંગે ભગુભાઇ દ્વારા e-FIR કરી હોય, જે e-FIR અંગે ખરાઇ કરી, તેના પરથી અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જિલ્લામા e-FIR થી દાખલ થયેલા ગુનાઓના આરોપીઓને અમરેલી એલસીબી દ્વારા પકડી પાડી નાગરિકોના ચોરાયેલા વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ટીમ અને લોકલ ટીમ સક્રિય થઈ હતી.
ઈસમને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો
ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન ચલાલા બસ સ્ટેન્ડમાંથી એક ઇસમને શંકાસ્પદ હાલતમાં પકડી પાડ્યો હતો. તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલો મોબાઇલ ફોન મળી આવ્યો હતો. જેથી તેની સામે કાર્યવાહી કરી ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.
પકડાયેલ આરોપીની વિગત
ભરત જેરામભાઇ સોલંકી, રહે.ચલાલા, ધારી રોડ, રેલ્વે ફાટક પાસે, તા.ધારી, જિ.અમરેલી.
રીકવર કરેલ મુદ્દામાલની વિગત
એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિં.રૂ.5,000/- નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.