ચલાલા નગરપાલિકાના 100 કર્મચારી હાલમા અજીબ મુસીબતમા ફસાયા છે. નગરપાલિકામા ભાજપ પાસે સંપુર્ણ બહુમતી છે પરંતુ આંતરિક વિખવાદથી બજેટ નામંજુર થવાના પગલે સતાધીશો પાસે પગાર કરવા જેવા આવશ્યક ખર્ચની પણ સતા ન હોય તમામ કર્મચારીઓનો ત્રણ માસથી પગાર અટકી પડયો છે. જવાબદાર ઉચ્ચ અધિકારીઓએ લાંબા સમય સુધી નવી બજેટ બેઠક ન બોલાવતા આ સ્થિતિ સર્જાઇ છે.
ચલાલા પાલિકામા માત્ર પગાર જ નહી પરંતુ તમામ આવશ્યક સેવાના કામો પણ અટકાઇ રહ્યાં છે. આજે ભીમ અગીયારસના પવિત્ર તહેવાર પર પણ કર્મચારીઓ પગાર વિહોણા હતા. અહી પાલિકામા 55 સફાઇ કામદારો તથા અન્ય કર્મચારીઓ મળી કુલ 100 કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. જે તમામને છેલ્લા ત્રણ માસથી પગાર પેટે ફુટી કોડી પણ ચુકવવામા આવી નથી. સામાન્ય રીતે કોઇ પાલીકામા બજેટ નામંજુર થાય તો કર્મચારીઓના પગાર અટકતા નથી. પરંતુ ચલાલા પાલિકામા ત્રણ માસથી અટકયા છે.
બજેટ નામંજુર થયા બાદ ટુંકાગાળામા જ બીજી બજેટ બેઠક બોલાવવાની હોય છે. પરંતુ જવાબદાર અધિકારીઓ દ્વારા જે પ્રક્રિયા માર્ચ માસમા પુરી કરી દેવાની હતી તે અડધો જુન વિતવા છતા પુરી કરાઇ નથી. જેને પગલે પાલિકા એકપણ રૂપિયાનો ખર્ચ કરી શકતી નથી. જયાં સ્ટ્રીટ લાઇટ બંધ થાય ત્યાં નવી સ્ટ્રીટ લાઇટ નાખી શકાતી નથી. હાલમા પાલિકા પેટ્રોલ અને ડિઝલ પણ ઉધાર મેળવી રહી છે.
ચુકવણાના અભાવે અનેક વેપારીઓએ પાલિકાને માલ આપવાનુ બંધ કર્યુ છે. પગારના અભાવે કર્મચારીઓને ઘરનુ ગુજરાન ચલાવવાનુ મુશ્કેલ તથા ભારે રોષ જોવા મળ્યો છે. જો કે આગામી એકાદ સપ્તાહમા જ નવી બજેટ બેઠક બોલાવાઇ તેવી શકયતા જોવાઇ રહી છે.
પ્રમુખ ઉપપ્રમુખે ચાર-ચાર હજાર ઉછીના આપ્યા
દરમિયાન નાના કર્મચારીઓ ભીમ અગીયારસ જેવા તહેવાર પર પણ નાણાકીય ભીડ ભોગવતા હેાય ગઇકાલે પ્રમુખ ગીતાબેન પ્રકાશભાઇ કારીયા અને ઉપપ્રમુખ જયરાજભાઇ વાળાએ સફાઇ કામદારોની બેઠક બોલાવી દરેકને રૂપિયા ચાર-ચાર હજારની રકમ હાથ ઉછીની આપી હતી.
દર મહિને 12 લાખનો પગાર ખર્ચ
નગરપાલિકા દ્વારા કર્મચારીઓ પાછળ દર મહિને રૂપિયા 12 લાખનો પગાર ખર્ચ કરવામા આવે છે. ત્રણ માસથી પગાર ન ચુકવાતા કર્મચારીઓનો 36 લાખનો પગાર ચડી ગયો છે.
દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સમા વારંવાર પંકચર
ચલાલા નગરપાલિકાની એમ્બ્યુલન્સ દર્દીને લઇ જતી હતી ત્યારે બે વખત તેમા પંકચર પડયુ હતુ. એમ્બ્યુલન્સનુ ટાયર બદલવાની જરૂરીયાત હોવા છતા હાલમા કર્મચારીઓ તે કરી શકતા નથી.
પાલિકામા શું છે સતાનુ સમીકરણ ?
ચલાલા પાલિકા કુલ 24 સભ્યોની બનેલી છે. જેમાથી હાલ ભાજપ પાસે 20 સભ્યો છે. જયારે કોંગ્રેસ પાસે 4 સભ્યો છે. ભાજપના 10 સભ્યો અસંતુષ્ટ છે. જે ધારાસભ્યના જુથના છે. જો કે હવે ઘીના ઠામમા ઘી પડી ગયાનુ મનાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.