રસ્તાઓ ભંગાર હાલતમા:રાજુલાના તમામ મુખ્ય માર્ગો બિસ્માર

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના સત્તાધીશો વારંવાર પ્રમુખ બદલવામાં માહેર પણ લોકોના કામ કરવામાં શુન્ય
  • ગાબડાઓ કરે તો પણ બે દિવસમાં ઠેરના ઠેર: જ્યારે વરસાદ ન પડે ત્યારે ધૂળની ડમરીઓ ઉડે છે

રાજુલાની જનતાએ નગરપાલિકાના સતાધીશોને વિકાસ કામો કરવા માટે સતા સોંપી પરંતુ પાલિકાના સભ્યો છાશવારે પ્રમુખ બદલી નાખે છે. પરંતુ લોકોના કામ થતા નથી. જેને પગલે શહેરના તમામ મુખ્ય રસ્તાઓ તુટી ગયેલી હાલતમા છે. માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની પણ આ જ દશા છે.

જે સંસ્થામા લોકો સતાધીશોને સજ્જડ બહુમતી સાથે સુકાન સોંપે તે સતાધીશો પણ લોકોના કામ કરવાને બદલે સતાની સાંઠમારીમા રચ્યાપચ્યા રહે તેનાથી મોટી કરૂણતા બીજી શું હોય શકે ?. હાલમા રાજુલા શહેરમા આવુ જ જોવા મળી રહ્યું છે. અહી લોકોએ પાલિકાની 28 સીટમાથી 27 સીટ કોંગ્રેસને સોંપી હતી. ત્યારથી અત્યાર સુધીમા સાત વખત પ્રમુખ બદલાયા છે. પાલિકાના સભ્યો સતત રાજકીય કાવાદાવામા વ્યસ્ત રહેતા હેાય શહેરની પાયાની સમસ્યાઓ પ્રત્યે ધ્યાન આપી શકતા નથી. જેના કારણે હાલમા રાજુલા શહેરના લગભગ તમામ રસ્તાઓ ભંગાર હાલતમા થઇ ગયા છે.

રાજુલા બસ સ્ટેન્ડ સર્કલથી માર્કેટીંગયાર્ડ સુધીમા દરરોજ હજારો વાહનો પસાર થાય છે. આ માર્ગ કાયમ માટે બિસ્માર છે. જયાં 20 સ્કુલના બાળકો અભ્યાસ કરે છે તે છતડીયા રોડની હાલત બદથી બદતર છે. જયારે સતત વાહનથી ધમધમતા રહેતા ડુંગર રોડમા ઠેરઠેર ગાબડા પડેલા છે. રાજુલા પાલિકામા જનતાનો અવાજ સાંભળવાવાળુ કોઇ નથી. અહી લોકોમા દેકારો થાય ત્યારે પાલિકા બે ત્રણ માર્ગો પર થુંકના સાંધા જેવા ગાબડા કરે છે. પરંતુ આ કામ પણ ભ્રષ્ટાચારના કારણે એટલુ નબળુ થાય છે કે બે દિવસમા જ ફરી ગાબડાઓ પડી જાય છે.

શહેરના મુખ્ય માર્ગો પર જ એક એક ફુટના ખાડાઓ પડતા હોય અકસ્માતની ઘટનાઓ રોજેરોજ બને છે. થોડો પર વરસાદ પડે તો પણ આ રસ્તાઓ પર ખાડાઓ દેખાતા ન હોય લોકો પડે આખડે છે. અને જયારે વરસાદ ન પડે ત્યારે આ રસ્તાઓ પર ધુળની ડમરીઓ ઉડે છે.

શહેરમાં ગટરોની હાલત પણ બદતર
શહેરમા માત્ર રસ્તાઓ નહી ગટરની હાલત પણ બદતર છે. અનેક સોસાયટીમા ગટરના પાણી ઉભરાઇને રસ્તા પર આવી જાય છે. શહેરની સફાઇનો પ્રશ્ન પણ જટીલ છે. તમામ મુખ્ય માર્ગો અને શેરીઓ ગંદકીથી લથબથ છે.

અન્ય સમાચારો પણ છે...