હનુમાન જયંતિ:2 વર્ષ બાદ આજથી ફરી ભુરખીયાની પદયાત્રા શરૂ થશે, ભુરખીયામાં બે લાખથી વધુ ભાવિકો ઉમટશે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોટાભાગના પદયાત્રીઓ સાંજથી જ પદયાત્રા શરૂ કરી દે છે. અને સવાર પડતા સુધીમા ભુરખીયા પહોંચે છે. - Divya Bhaskar
મોટાભાગના પદયાત્રીઓ સાંજથી જ પદયાત્રા શરૂ કરી દે છે. અને સવાર પડતા સુધીમા ભુરખીયા પહોંચે છે.
  • અમરેલી -ભુરખીયા વચ્ચે સેવા કેન્દ્રો ઉભા કરાયા : મેળાની મંજુરી આપવામાં તંત્રના અખાડા
  • સવારની આરતીના સમયે પહોંચશે પદયાત્રી

હનુમાન જયંતિ પર લાઠી તાલુકામા આવેલા સુપ્રસિધ્ધ ભુરખીયા હનુમાન મંદિરે ભવ્ય લોકમેળો યોજાય છે અને લોકો પદયાત્રા કરીને અહી પહોંચે છે. બે વર્ષ બાદ ફરી એકવાર પદયાત્રા શરૂ થશે. અહી બે લાખથી વધુ ભાવિકો ઉમટવાની શકયતા છે અને તંત્ર દ્વારા તે મુજબ આયોજન કરાઇ રહ્યું છે. અમરેલી પંથકમાથી દર વર્ષે હજારોની સંખ્યામા પદયાત્રીઓ હનુમાન જયંતિ પર ચાલીને ભુરખીયા હનુમાન મંદિરે દર્શન માટે પહોંચે છે.

જો કે છેલ્લા બે વર્ષથી કોરોનાની સ્થિતિના કારણે સ્વયંભુ રીતે જ આવી પદયાત્રાઓ યોજાઇ ન હતી. પરંતુ હાલની સ્થિતિમા કોરોનાની લહેર સમી ગઇ છે. અને તંત્ર દ્વારા પણ વિવિધ મેળાવડાઓ માટે મંજુરી આપવામા આવે છે ત્યારે હનુમાન જયંતિના પાવન અવસર પર આ વિસ્તારના લોકોમા ફરી ભુરખીયા સુધીની પદયાત્રાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આમ તો ભુરખીયા હનુમાન મંદિરે માત્ર અમરેલી તરફથી જ નહી પરંતુ ઢસા, બાબરા તરફથી અને ગારીયાધારની દિશામાથી પણ મોટી સંખ્યામા પદયાત્રીઓ આવે છે. પરંતુ સૌથી મોટી પદયાત્રા અમરેલી પંથકમાથી ભુરખીયા સુધીની જોવા મળે છે. જેમા દર વર્ષે હજારો લોકો જોડાય છે. ઓણસાલ પણ આ સ્વયંભુ પદયાત્રા યોજાવા જઇ રહી છે.

વિવિધ સેવા સંગઠનો દ્વારા પદયાત્રીની સેવા માટે વિવિધ આયોજનો હાથ ધરવામા આવ્યા છે. તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા સમગ્ર પદયાત્રાના માર્ગ પર બંદોબસ્તની વ્યવસ્થા પણ ગોઠવવામા આવી રહી છે. અમરેલી પંથકમાથી આવતીકાલે સાંજે પદયાત્રા શરૂ થશે અને રાતભર ચાલીને લોકો સવારે ભુરખીયા પહોંચશે.

આ દરમિયાન અમરેલીથી લાઠી વચ્ચે વિવિધ સેવા સંગઠનો દ્વારા પદયાત્રીઓ માટે પાણી, ઠંડાપીણા, શરબત, ચા નાસ્તો, ફ્રુટ જયુશ વિગેરે પુરા પાડવામા આવશે. આ માટે સ્વયંસેવકો આગલા દિવસથી જ કામે લાગેલા છે. આવી જ રીતે લાઠીથી ભુરખીયાના માર્ગ પર પણ સેવા કેન્દ્રો ઉભા કરાઇ રહ્યાં છે.

લાઠી ચાવંડ રોડ પર ભારે વાહનોને નો એન્ટ્રી
પદયાત્રીઓની ભીડને ધ્યાને લઇ આજે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ આર.વી.વાળાએ એક જાહેરનામુ બહાર પાડી અમરેલી લાઠી ચાવંડ માર્ગ પર ચાલતા ભારે વાહનોને વૈકલ્પિક રૂટ પર ચાલવા સુચના અપાઇ છે. ચાવંડથી અમરેલી તરફ આવતા વાહનોને વાયા બાબરા અને ચિતલ થઇ ચાલવાનુ રહેશે. આવતીકાલ બપોરના બે વાગ્યાથી 16મી તારીખના સવારના 6 વાગ્યા સુધી આ જાહેરનામુ અમલમા રહેશે.

મહાઆરતી બાદ ટ્રાફિક હળવો થશે
હનુમાન જયંતિ પર આમ તો ભુરખીયામા આખો દિવસ ભાવિકોની ભીડ રહેશે. ખાસ કરીને સવારના સમયે અહી મોટી સંખ્યામા પદયાત્રીઓ પહોંચશે. બપોરના સમયે ગરમીમા ભીડ હળવી થશે અને બાદમા રાત્રીના સમયે મહાઆરતી બાદ ભાવિકોની ભીડ વિખેરાશે.

અન્ય સમાચારો પણ છે...