અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકાના મહત્ત્વનો વિસ્તાર વાવેરા ગામથી બાબરીયાધાર સુધી રોડનું કામ ચાલતુ હતું એ હાલ પૂર્ણ થયું છે અને બર્બટાણા ગામના એડવોકેટ કનુ કામળીયા દ્વારા માર્ગ મકાન વિભાગ કાર્યપાલક, ધારાસભ્ય સહિત લોકોને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જવાબદાર અધિકારી સામે ગુનોં નોંધવા માટેની માંગ કરવામાં આવી છે.
આર.સી.સી રોડ બનાવતા પહેલા પુરતા પ્રમાણમાં ખોદકામ કરાયું નથી
અહીં લેખિત પત્રમાં ઉલ્લેખ છે, તે પ્રમાણે આ રોડ પર બર્બટાણા અને મોટીખેરાળી ગામે આવેલા છે. આર.સી.સી.ના રોડ બનાવવામાં આવે છે. આ આર.સી.સી. રોડ બનાવતા પહેલા પુરતા પ્રમાણમાં ખોદકામ કરવામાં આવ્યું નથી અને કે સી.સી.નું કામ પણ નબળુ કરવામાં આવ્યું છે. ત્યારબાદ રોડ કામમાં સારી કંપનીનુ આઈ.એસ.આઈ.માર્કાવાળુ લોખંડ વાપર્યું નથી કે, ટેન્ડર મુજબ પુરતું લોખંડ વાપર્યું નથી. તેમજ પુરતા પ્રમાણમાં સીમેન્ટ વાપરવામાં આવ્યું નથી અને જે સીમેન્ટ વાપર્યું છે, તે હલકી ગુણવત્તાની વાપરેલી છે. રેતી પણ સ્થાનિક નદીઓની ધુળવાળી વાપરવામાં આવી છે. જેના લીધે આ આર.સી.સી.તુટવા લાગ્યો છે અને ઉખડવા લાગ્યો છે. ત્યારબાદ આ આર.સી.સી.માં કટર દ્વારા અમુક-અમુક અંતરે આર.સી.સી.કાપવો જોઈએ જે કાપ્યો નથી. આ આર.સી.સી.માં વાહન સ્લીપ ન થાય અને બ્રેક લાગે એટલામાં ઘર્ષણ ઉભું કરવા માટે આકારો પાડવા જોઈએ, તે પણ કામ કર્યું નથી. જ્યારે આ કામ ચાલતું હતુ, ત્યારે પણ મેં નબળા કામ બાબતની અરજી કરવામાં આવી હતી.
હાલમાં આ રોડ પર ડામરનું કામ પૂર્ણ થયું છે છતાં પણ તે અરજી અન્વયે મોટો ભ્રષ્ટ્રાચાર કરીને કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને કોઈપણ હકારાત્મક જવાબ અપાયો નથી. હાલમાં આ રોડ પર ડામરનું કામ પુર્ણ થયું છે. તેમા યોગ્ય માત્રામાં ડામર વાપરવામાં આવ્યો નથી અને ટેન્ડર મુજબ જેટલા ટનનું કામ હતુ તે પ્રમાણે કામ કર્યું નથી. માત્રને માત્ર ખોટી વજનચીઠીઓ બનાવવામાં આવી છે. રોડનું કામ કરતી વખતે રોડને બ્રશ અને કમ્પ્રેશરથી પહેલા ધુળ સાફ કરવાની હોય છે, જે કરવામાં આવી નથી. જેથી આ રોડ થોડા જ વર્ષોમાં ઉખડી જશે તેમ છે. તેમજ બીજા લેરનું કામ પુર્ણ થતા તેમાં ખરાબ કામના લીધે દરેક જગ્યાએ કાકરી નીકળી ગઈ છે.
ગમખ્વાર અકસ્માત થવાની પૂરી શક્યતાઓ
કાકરીઓ સાફ કર્યા વગર જ ફાઈનલ હાથ મારી જેમ-તેમ કરીને રોડ પૂર્ણ કરી દીધો છે. આમા ડામરની માત્રા પણ ખૂબજ ઓછી વાપરવામા આવી છે. રોડની કીનારીઓ બરાબર કામ કર્યું ન હોવાથી માત્ર માટીથી જ સાઈડો સરખી કરી છે. જેથી સાઈડો બેસવા લાગી છે. રોડ જેટલી પહોળાઈનો બનાવવાનો હતો, તેટલી પહોળાઈનો બનાવવામાં આવ્યો નથી. કોઈ કોઈ જગ્યાએ સાંકડો બનાવી નાખ્યો છે. રોડની બન્ને બાજુમાં સારી રીતે પુરાણ કરીને રસ્તો બનાવવો જોઈએ, પરંતુ સરખો બનાવ્યો નથી. જેના કારણે ગમખ્વાર અકસ્માત થવાની પુરી શક્યતાઓ છે. તેમજ રોડ બન્યા બાદ ડામરનો ફુવારો મારવાનો હોય છે. છતાં કોઈ ફુવારો માર્યો નથી અને તેના ઉપર ડસ્ટ નાખવામાં આવી હતી તે ડસ્ટના કારણે ધુળની ડમરીઓ ઉડે છે. જેથી લોકોના સ્વાસ્થયને નુકસાન પહોંચે છે. ધુળની ડમરીઓના કારણે અકસ્માતનો ભય રહે છે. વાવેરાથી બર્બટાણા જતા રેલવે ફાટકે કોઈપણ પ્રકારનો રોડ બનાવવામાં આવ્યો નથી. તેમજ મોટી ખેરાળી ગામે પણ 10-ફૂટનો રસ્તો બાકી રાખી દેવામાં આવ્યો છે. આમ ટેન્ડર મુજબનું કોઈપણ કામ કરવામાં આવ્યું નથી.
લેબ ટેસ્ટ પણ કરવામાં આવ્યો નથી
ઉલ્લેખનીય છે કે, હાલમાં આ રસ્તાનું કામ પુર્ણ થઈ ગયું હોવા છતાં સાઈડમાં હાર્ડમોરમથી પુરાણ કરવાનું હોય છે, જે કામ પણ કર્યું નથી. કોન્ટ્રાકટર તળાવના કાપથી પુરાણ કરવાની પેરવી કરી રહ્યો છે. જે પણ તાત્કાલિક સાઈડો પુરવામાં નહી આવે તો બે વાહનો સામે-સામા મળશે તો સાઈડ લેતી વખતે અકસ્માત થશે. તેમજ આ સંપૂર્ણ કામ પૂર્ણ થયા સુધી આ રોડ ઉપર કોઈ ઈજનેર દ્વારા દેખરેખ રાખવામાં આવી નથી. કમોસમી વરસાદમાં પણ કામ ચાલુ રાખવામાં આવ્યું છે. તેમજ રાત્રિના સમયમાં પણ કામ ચાલુ રાખવામાં આવ્યું છે. આ કામમાં કોન્ટ્રાકટર અને ઈજનેર દ્વારા મિલાપી થઈને ખૂબજ મોટાપાયે ભ્રષ્ટ્રાચાર કરવામાં આવ્યો છે અને આ આર.સી.સી.નું કામ પૂર્ણ થયા બાદ તે કામ બરાબર છે કે નહીં તેનો લેબ ટેસ્ટ પણ કરવામાં આવ્યો નથી. આ કામ પહેલેથી જ ખરાબ કર્યું છે અને ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવ્યો નથી.
ગંભીર આરોપ સાથે આક્ષેપો કર્યા
રાજુલાના એડવોકેટ કે.બી. કામળીયા દ્વારા રોડમાં થયેલા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે અને મોટાપાયે ભ્રષ્ટ્રાચાર કરી સરકારના કરોડો રૂપિયા ચાવ કરી જતા હોવાનો ગંભીર આરોપ સાથે આક્ષેપો કર્યા છે. જેથી યોગ્ય અધિકારી દ્વારા તપાસ કરાવી જવાબદાર અધિકારી સામે ભ્રષ્ટ્રાચાર અધિનિયમની કલમ.7, 20 અન્વયે ગુનોં દાખલ કરવા અને આ કામની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોન્ટ્રાકટરનું બિલ નહીં કરવા માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.