એક તરફ અમરેલી જિલ્લામા શિક્ષણનુ સ્તર કથળી રહ્યું છે. માત્ર પ્રાથમિક શાળાઓ નહી આંગણવાડીની ઓરડીઓ પણ જર્જરિત છે. તેની વચ્ચે બાબરામા આદર્શ નિવાસી શાળા માટે તો તંત્રને જમીન પણ મળી રહી નથી. અહી આ શાળા શરૂ કરવા માટે 29 વર્ષ પહેલા મંજુરી અપાઇ હતી. પરંતુ ત્યારબાદ કોઇ કાર્યવાહી ન થતા છાત્રો પરેશાન થઇ રહ્યાં છે.
અમરેલી જિલ્લામા બાબરા તાલુકામા બક્ષીપંચની વસતિ ઘણી વધારે છે. અહી પછાત વર્ગના છાત્રોની સંખ્યા વધારે હોય ત્રણ દાયકા પહેલા બાબરામા આદર્શ નિવાસી શાળા શરૂ કરવા માટે માંગ ઉઠી હતી. જેને પગલે વર્ષ 1992-93ની સાલમા એટલે કે 29 વર્ષ પહેલા ગુજરાત સરકારે આદર્શ નિવાસી શાળા સ્થાપવાની મંજુરી આપી હતી. જેમા એવી વ્યવસ્થા પણ કરાઇ હતી કે 200 છાત્રો માટેની હોસ્ટેલ ઉભી કરવામા આવે જેથી આ છાત્રો નિવાસી શાળામા રહીને જ અભ્યાસ કરી શકે. સરકારે મંજુરી તો આપી દીધી પરંતુ જનતાને માત્ર લોલીપોપ અપાતી હોય તેમ ત્યારબાદ કોઇ જ કાર્યવાહી કરવામા આવી ન હતી.
આ વિસ્તારની નબળી નેતાગીરીના કારણે અને પાછલા અઢી દાયકાથી એક જ પક્ષની સરકાર રાજયમા હોવા છતા બાબરામા આદર્શ નિવાસી શાળા શરૂ કરવાની દિશામા કોઇ જ ધ્યાન આપવામા આવ્યું ન હતુ. જેના કારણે આજદિન સુધી અહી આ શાળા શરૂ થઇ શકી નથી અને અહીના પછાત વર્ગના બાળકોને અભ્યાસ માટે બહાર જવુ પડે છે.
સમાજ કલ્યાણ વિભાગને ત્રણ દાયકા થવા છતા બાબરામા આદર્શ નિવાસી શાળા શરૂ કરવા માટે જમીન મળી નથી. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું ભાડાના મકાનમા શાળા શરૂ ન કરી શકાય ?. સમાજ કલ્યાણ વિભાગ પાસે શાળા શરૂ કરવા માટે પુરતો સ્ટાફ પણ નથી. પછાત વર્ગના છાત્રો માટે કોઇ નવી શાળા શરૂ થાય તેની વાત બાજુ પર રહી પરંતુ લાંબા સમય પહેલા મંજુર થયેલી શાળા પણ કાર્યરત થતી ન હોય લોકોમા રોષ છે.
અહીના છાત્રોને અમરેલી જવું પડે છે
બાબરામા આદર્શ નિવાસી શાળા કાર્યરત ન થતા અહીના બક્ષીપંચ સમાજના તથા પછાત વર્ગના વિદ્યાર્થીઓને અમરેલી તાલુકાના માંગવાપાળ ગામે આવેલ આદર્શ નિવાસી શાળામા દાખલ થવુ પડે છે.
વંચિતોને ન્યાય મળે તેવી કાર્યવાહી કરો
જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા પ્રભાતભાઇ કોઠીવાળે સામાજીક ન્યાય અધિકારીતા વિભાગને રજુઆત કરી આ વિસ્તારના પછાત અને વંચિત સમાજના બાળકોને શિક્ષણમા ન્યાય મળે તેવી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.> કોઠીયાળ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.