રાજુલા તાલુકાના માંડણમા લાયકાત ન હોવા છતા એક યુવાન તબીબ હોવાનો ખોટો ડોળ ઉભો કરી ગામમા દવાખાનુ ઉભુ કરી લોકોની જીંદગી સાથે ખીલવાડ કરી રહ્યો હતો ત્યારે આજે અમરેલી એલસીબીએ આ શખ્સને ઝડપી લઇ તેની પાસેથી દવાનો જથ્થો પણ કબજે લીધો હતો.
અમરેલી એલસીબીની ટીમે આજે રાજુલા તાલુકાના માંડણ ગામે કલીનીક ચલાવતા અને મુળ તળાજા તાલુકાના રાળગોન ગામના અંતુ ધીરૂ લાધવા (ઉ.વ.32) નામના બોગસ તબીબની ધરપકડ કરી હતી. જિલ્લા પોલીસવડા હિમકર સિંઘે માન્ય તબીબી ડિગ્રી ધરાવતા ન હોય તેવા લોકો ગામડામા તબીબ બનીને બેઠા હોય તેવા બોગસ ડોકટરને શોધવા સ્પેશ્યલ ડ્રાઇવની સુચના આપી હતી. જેને પગલે એલસીબી પીઆઇ આર.કે.કરમટા તથા સ્ટાફે અહી દરોડો પાડયો હતો.
આ શખ્સ માત્ર નર્સિંગની ડિગ્રી ધરાવે છે. અને માંડણમા ડોળીયા ગામ તરફ જવાના રસ્તે એક મકાન ભાડે રાખી એલોપથી દવાનો જથ્થો રાખી પ્રાઇવેટ દવાખાનુ ચલાવતો હતો. તેની પાસેથી શીડયુલ એચ ડ્રગ, દવાની બોટલો, ઇન્જેંકશન, શીરપની બોટલો, ટયુબ, સ્ટેથોસ્કોપ, બીપી માપવાના સાધન વિગેરેનો જથ્થો કબજે લેવાયો હતો. પોલીસે અહીથી કુલ 81998નો મુદામાલ કબજે લીધો હતો અને તેની ધરપકડ કરી હતી.
બોગસ તબીબ ડુંગર પોલીસના હવાલે
અમરેલી એલસીબીએ આરોગ્યની ટીમને સાથે રાખી અંતુ લાધવાને ઝડપી લઇ તેની સામે ગુજરાત મેડિકલ પ્રેકટીશનર એકટ અને ગુજરાત મેડિકલ કાઉન્સીલ એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો. હાલમા આ શખ્સને ડુંગર પોલીસના હવાલે કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.