સેવા કાર્ય:પોલીસ વિભાગમાં પ્યુનની નોકરી કરતા યુવાનની પક્ષીઓને ચણની સેવા

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જગદીશભાઇ - Divya Bhaskar
જગદીશભાઇ
  • અમરેલીનો યુવક વર્ષે 7 હજાર કિલોથી વધુ ચણના દાનનો સેવાયજ્ઞ: ફરજની સાથે નિસ્વાર્થ સેવાકાર્ય

અમરેલી જિલ્લા પોલાસ કચેરી ખાતે પ્યુન તરીકે ફરજ બજાવતા જગદીશભાઇ બથવાર ફરજની સાથે પક્ષીઓને ચણ નાખવાનુ સેવાકાર્ય 22 વર્ષથી કરી રહ્યાં છે. આ ઉપરાંત પક્ષીઓ પાણી પી શકે તે માટે કચેરીમા પાણીના કુંડા નિયમીત ભરી આ સેવાકાર્ય કરી પ્રેરણા પુરી પાડી રહ્યાં છે.

જગદીશભાઈ બથવારે છેલ્લા 22 વર્ષથી સેવાનો આ યજ્ઞ સતત અને અવિરતપણે કરી રહ્યા છે. અમરેલીની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને જળ અને ચણની સેવા તેમના કારણે મળી રહે છે. તે કોઈપણ સંજોગ કે સ્થિતિ હોય પક્ષીઓના ચણ અને પાણીની સેવા એટલે જ એ ચૂકતા નથી. તેમણે પોતાની સરકારી ફરજની શરૂઆત વર્ષ 1987માં સુરેન્દ્રનગર ખાતેથી પોતાની સેવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમની બદલી રાજકોટ અને અમરેલી મુકામે થઇ હતી.

તેઓ વર્ષ-1996થી અમરેલી ફરજ બજાવે છે. એવું કહેવાય છે કે, સેવા કરતા વ્યક્તિને સેવા કરવા માટે પ્રેરક બળ પણ કોઇને કોઇ રીતે મળતું હોય છે. આ વાત જગદીશભાઈના કિસ્સામાં પણ સાચી નિવડી છે. તેમના નિત્યક્રમ મુજબ સવારે તે મોર્નિંગ વૉક કરવા માટે ઠેબી ડેમ વિસ્તારમાં જાય છે. એ સમયે સેવાભાવી વ્યક્તિઓ ત્યાં પક્ષીઓને ચણ નાખતા હતા. એમનાથી પ્રેરાઈને જગદીશભાઈએ એમની સાથે પક્ષીઓને ચણ નાખવાની શરુઆત કરી હતી.

દરેક સેવા કાર્ય માટે અનુદાન આવશ્યક હોય છે. આ સેવા કાર્ય કરવા માટે પણ ચણ માટે અનુદાન અને ચણ દાન જરૂરી છે. પક્ષીઓના ચણનો ખર્ચ જગદીશભાઈને સેવાભાવી સંસ્થાઓ તરફથી મળી રહે છે. જો ક્યારેક ચણ માટે અનુદાન કે ચણ ન પણ મળે તો તે સ્વખર્ચે ચણ લાવી અને પક્ષીઓને ચણ નાંખે છે. તેઓ કચેરી સિવાયના સમયે રોજ સવારે ઠેબી ડેમ વિસ્તારમાં પણ ચણ નાખવા માટે જાય છે.

મારા સેવાકાર્યમાંથી લોકોને પ્રેરણા મળશે: જગદીશભાઇ
સેવાના ભેખધારી જગદીશભાઈ માને છે કે સૌ કોઈએ અબોલ પક્ષીઓ પ્રત્યે અનુકંપા રાખવી જોઈએ. મારા આ કાર્યમાંથી લોકોને પ્રેરણા મળે એ જ મારો ઉદ્દેશ્ય છે. અમે રોજનું 15 થી 20 કિ.ગ્રા ચણ પક્ષીઓને નાંખીએ છીએ. જેમાં જિલ્લા પોલીસ કચેરીએ આશરો લેતા પક્ષીઓ માટે રોજનું 3 થી 4 કિ.ગ્રા અને બાકીનું ઠેબી ડેમ વિસ્તારમાં આવતા પક્ષીઓ માટે અનામત છે. આમ મહિનાનું 600 કિલોગ્રામ જેટલું અને વાર્ષિક 7 હજાર કિલોગ્રામથી વધુ ચણ પક્ષીઓને નાખવામા આવે છે.

અન્ય સમાચારો પણ છે...