અમરેલીમા કલેકટર કચેરીના સભાખંડમા સાંસદ કાછડીયાની અધ્યક્ષતામાં તેમજ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્ર સરકાર પુરસ્કૃત અને જિલ્લામાં અમલીકૃત અનેકવિધ યોજનાઓમાં કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા વિકાસ કો–ઓર્ડીનેશન અને મોનીટરીંગ કમીટીની બેઠક મળી હતી.
સાંસદે સરકારની વિવિધ યોજનાની જિલ્લામાં 100 ટકા અમલવારી થાય તથા છેવાડાનાં લોકો તમામ યોજનાનો લાભ મેળવે અને લોકોનું જીવન ધોરણ તથા સગવડતામાં વધારો થાય તે બાબત ઉપર તમામ શાખા અધિકારી પદાધિકારી સંકલનથી કામ કરી અમરેલીના વિકાસની ગતીને આગળ વધારે તે માટે આયોજનલક્ષી કામગીરી કરવા જણાવ્યું હતું.બેઠકમાં શહેરી, ગ્રામ્ય, રેલવે, સિંચાઈ, માર્ગ અને મકાન, પાણી, સફાઈ, વીજ પુરવઠો, રોજગાર, આરોગ્ય, શિક્ષણ, બાળ વિકાસ, સુરક્ષા, ખેતી, આયોજન, ખાણ-ખનીજ, ટેલિકોમ વગેરે વિભાગોની લક્ષ્યાંક, સિધ્ધિ, ફરીયાદ–રજુઆત અને અમલીકરણ માટે પડતી મુશ્કેલી જેવા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વિશાલ સક્સેના, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી સહિતના વિવિધ શાખાઓના અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.