અણઘડ વહિવટ:પંદર વર્ષ પહેલા જાહેર શૌચાલય તો બનાવ્યું પણ કયારેય ઉપયોગ ન થયો

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દામનગર પાલિકાના અણઘડ વહિવટના કારણે શૌચાલય પડ્યું પડ્યું જર્જરિત બન્યું

પંચાયત કે પાલિકામા ચુંટાયેલા પદાધિકારીઓ ઘણી વખત લોકોને દેખાડવા માટે કામો તો કરી નાખે છે. પરંતુ ત્યારબાદ પાછળથી આ કામો કોઇના ઉપયોગમા આવે છે કે કેમ તે જોવાની કોઇને દરકાર હોતી નથી. આવુ દામનગરમા પે એન્ડ યુઝ શૌચાલયના બારામા બન્યું છે.

દામનગરના ઠાંસા રોડ પર નગરપાલિકા દ્વારા 15 વર્ષ પહેલા પે એન્ડ યુઝ શૌચાલયનુ નિર્માણ કરવામા આવ્યું હતુ. તગડો ખર્ચ કરીને શૌચાલય ઉભુ તો કરી દેવાયુ પરંતુ લોકો તેનો ઉપયોગ કરે તે જોવાની કોઇ જ દરકાર ન લેવાઇ જેના કારણે આ શૌચાલય બંધ હાલતમા યથાવત પડયુ રહ્યું.

હદ તો એ વાતની થઇ કે છેલ્લા 15 વર્ષથી પાલિકાના કોઇ જ સતાધીશ દ્વારા આ શૌચાલય કાર્યરત થાય તેની યોગ્ય સારસંભાળ લેવાઇ તે દિશામા ધ્યાન ન આપ્યુ અને પરિણામે આ શૌચાલય પડયા પડયા જ જર્જરિત બની ગયુ છે. પંચાયત હોય કે પાલિકા ધારાસભા હોય કે સંસદ નેતાઓ ચુંટાતા જાય છે પરંતુ પ્રજાના પૈસે ઉભી કરાયેલી સુવિધા સામાન્ય વ્યવસ્થા કરાવવાના અભાવે ઉપયોગમા નથી આવતી તે દિશામા કોઇ ધ્યાન આપતુ નથી.

શૌચાલયના દરવાજા પણ ગાયબ
સ્થાનિક લોકોની પણ ગંભીર બેદરકારી એ સામે આવી કે લોકોએ પણ કયારેય આ શૌચાલય શરૂ થાય તેવી રજુઆતો ન કરી અને તંત્રના કામ ન આમળ્યાં. ઉલટાનુ અહીથી કેટલાક લોકો બારણાના દરવાજા પણ ઉખેડીને લઇ ગયા હતા.