ચીતલ નજીક મોણપુર ગામની ઘટના:એક વર્ષના બાળકને સિમેન્ટની ખાલી બેગમાં નાખી કોઈ કાંટાળી વાડમાં ફેંકી ગયું

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકને ગંભીર હાલતમાં અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું

ચીતલ નજીક આવેલા મોણપુર ગામ પાસે આજે કોઈ નિષ્ઠુર માણસે એક વર્ષના માસુમ બાળકને સિમેન્ટની ખાલી બેગમાં ભરી કાંટાળી વાડમાં ફેકી ગયાની ઘટના સામે આવી છે. આ બાળકને હાલમાં અમરેલી સિવિલમાં ખસેડાયો છે.

આ હીચકારી ઘટના આજે અમરેલી તાલુકાના ચિતલ નજીક આવેલા મોણપુર ગામની સીમમાં બની હતી. અહીં મધુભાઈ મૂળજીભાઈ ભાલાળાની વાડી નજીક કોઈ અજાણ્યા શખ્સો એક વર્ષના બાળકને કાંટાળી વાડમાં ફેંકી ગયા હતા. અજાણ્યા શખ્સોએ આ બાળકને સિમેન્ટની ખાલી થેલીમાં નાખી તેનો વાડમાં ઘા કરી દીધો હતો. અહીંના ભાવેશભાઈ નામની વ્યક્તિનું આ બાળક તરફ ધ્યાન જતા તેમણે 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો. જેને પગલે ચિત્તલ 108ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યાં બાળક ઇજાગ્રસ્ત હાલતમાં નજરે પડ્યો હતો.

ટીમના ઇએમટી સંદીપ ભાલીયા અને પાયલોટ ભરત ચૌહાણે તેની ચકાસણી કરતા બાળક જીવિત હાલતમાં હોય તેને સારવાર માટે સૌ પ્રથમ ચિત્તલના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ સ્ટાફ પણ અહીં દોડી આવ્યો હતો. બાળકને હાથ પગ અને શરીર પર ઇજાના નિશાન હતા. ત્યાંથી આ બાળકને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અજાણ્યા શખ્સોના આ કૃત્યની ભારે ટીકા થઈ રહી છે. બનાવ અંગે અમરેલી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...