કાર્યવાહી:હત્યાની કોશિષના ગુનામાં નાસતો ફરતો વડનો કુખ્યાત શખ્સ ઝડપાયો

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લુંટ, મારામારી, પોલીસ પર હુમલા, હત્યાની કોશિષ જેવા 24 ગંભીર ગુનામાં સંડોવાયો છે

રાજુલા તાલુકાના વડ ગામનો અને જુદાજુદા 24 ગંભીર ગુનામા સંડોવાયેલા કુખ્યાત શખ્સને આજે અમરેલી એલસીબીએ રાજસ્થાનમાથી ઝડપી લીધો હતો. આ શખ્સને ખાંભા પોલીસના હવાલે કરાયો છે. વિધાનસભાની ચુંટણી પહેલા ગંભીર અપરાધમા સંડોવાયેલા શખ્સો સામે પોલીસ સખત કાર્યવાહી કરી રહી છે. ત્યારે એક વર્ષ પહેલા ખાંભામા હત્યાની કોશિષ તથા રાજુલામા મારામારી, રાયોટીંગ વિગેરે ગુનાઓ આચરી નાસી ગયેલા રાજુલા તાલુકાના વડ ગામે રામજી મંદિર પાસે રહેતા શિવરાજ ઉર્ફે શિવા વાલા ધાખડા (ઉ.વ.32) નામના કુખ્યાત શખ્સને ઝડપી લઇ પોલીસે આજે કુકડો બનાવ્યો હતો.

આ શખ્સ ગંભીર ગુનાઓ આચરી હાલમા રાજસ્થાનના શિરોહી ખાતે નાસી ગયો હતો. જિલ્લા પોલીસવડાની સુચનાથી એલસીબી પીઆઇ એ.એમ.પટેલ તથા તેની ટીમે ટેકનીકલ સોર્સ અને ખાનગી બાતમીદારોના આધારે માહિતી મેળવી તેને ઝડપી લીધો હતો.

શિવરાજ ધાખડા નામચીન શખ્સ છે. તે ખુનની કોશિષ, લુંટ, છેડતી, મારામારી, પોલીસ કર્મચારી પર હુમલો, ફરજમા રૂકાવટ વિગેરે જેવા ગુનાઓમા સંડોવાયેલો છે. આ શખ્સ સામે રાજુલા, નાગેશ્રી, ગીરગઢડા અને ખાંભા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમા જુદાજુદા 24 ગુનાઓ નોંધાયેલા છે. નાગેશ્રી પંથકમા તેણે ચાર લુંટ ચલાવી હતી. તેની સામે સૌથી વધુ 16 ગુના રાજુલા પોલીસમા નોંધાયેલા છે. આ નામચીન હિસ્ટ્રીશીટર 2006થી પોલીસ ચોપડે ચડેલો છે.

અન્ય સમાચારો પણ છે...