લીલીયા તાલુકાના મોટા કણકોટ ગામની સીમમા મધ્યપ્રદેશની એક મહિલાને તેની જ જ્ઞાતીના શખ્સે પૈસાના ડખ્ખામા માથામા લાકડી ઝીંકી ઘાયલ કરી દેતા આ મહિલા પ્રાથમિક સારવાર લઇ વતનમા ચાલી ગઇ હતી. એક સપ્તાહ બાદ આ મહિલાનુ મોત થયુ હતુ. ત્યારે બનાવ હત્યાનો છે કે મોતનુ કારણ કંઇક અન્ય છે ? તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. મધ્યપ્રદેશના અલીરાજપુર રહેતી કરમબેન લાલુભાઇ કટારીયા (ઉ.વ.21) નામની પરિણિતાનુ મોત થયુ હતુ.
જે બારામા તેના સસરા સુરતીયાભાઇ નગરસિંગ કટારીયાએ લીલીયા પોલીસને જાણ કરી હતી. તેણે પોલીસને જણાવ્યું હતુ કે તેના દીકરાની વહુ કરમ કણકોટની સીમમા કરશનભાઇ પટેલની વાડીમા મજુરી કામે હતી ત્યારે તેના કુટુંબી ભાણેજ ગણકર હીરૂ સાથે પૈસાની લેતીદેતી બાબતે માથાકુટ થઇ હતી. ગણકર હીરૂએ તેને માથામા લાકડીના ઘા મારી ઇજા કરી હતી.
જેથી કરમને અમરેલીમા ખાનગી દવાખાને સારવાર કરાવી હતી અને બાદમા વતનમા ચાલ્યા ગયા હતા. જયાં 8મી તારીખે તબીયત લથડતા પ્રથમ દાહોદ હોસ્પિટલમા અને બાદમા વડોદરા હોસ્પિટલમા દાખલ કરાતા 12મી તારીખે તેનુ મોત થયુ હતુ. પોલીસે હાલમા અકસ્માતે મોત થયાનુ ચોપડે નોંધ્યુ છે અને બનાવ હત્યાનો છે કે મહિલાનુ અન્ય કારણથી મોત થયુ છે તે જાણવા તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.