વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ દ્વારા કાર્યકરો, હોદ્દેદારો ઉમેદવારો સાથે સંકલન કરી આગળ વધી રહી છે અને સરકાર બનાવવા માટે કામે લાગી છે. રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 22 તારીખે સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, સિદ્ધાર્થ પટેલ સહિતનાઓ અમરેલીની મુલાકાતે આવ્યાં હતા.
આગામી 2 દિવસમાં રાહુલ ગાંધીની સભાની કોંગ્રેસ જાહેરાત કરશે
અમરેલીની પાંચ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી, અંબરીષ ડેર, કીર્તિ બોરીસાગર, વિરજી ઠુમર, પ્રતાપ દુધાત સહિત કોંગી નેતાઓ સાથે બેઠક કરી સૌરાષ્ટ્રમાં ક્યાં જિલ્લા તાલુકા મથક ઉપર સભાનું આયોજન કરવું જેથી કોંગ્રેસ પક્ષને વધુ ફાયદો થાય તે અંગે ચર્ચા કરાઈ હતી. 2017માં અમરેલીમાં પાંચેય બેઠક કોંગ્રેસ પાસે આવી હતી જેના કારણે હાલમાં અમરેલી ઉપર વધુ ધ્યાન દોરવામાં આવી રહ્યું છે. આગામી 2 દિવસમાં રાહુલ ગાંધીની સભાની કોંગ્રેસ જાહેરાત કરશે.
રાહુલ ગાંધીની બે જગ્યાએ સભા યોજાશે
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધીની 22 તારીખે સભાનું આયોજન થશે. જેને લઈ અમે બેઠક કરી છે. રાહુલ ગાંધીની બે સભા યોજાશે, એક સૌરાષ્ટ્ર અને બીજી દક્ષિણ ગુજરાતમાં સભાનું આયોજન કરાયું છે. ગુજરાતમાં ભ્રષ્ટાચાર, ડ્રગ્સની હેરાફેરી, પેપર ફૂટવાના કૌભાંડ, કાયદો વ્યવસ્થા સહિત મુદ્દે આકરા પ્રહારો પણ કર્યા હતા. તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ લડાઈ છે આપ પાર્ટી વચ્ચે ક્યાંય છે જ નહીં. આપ દ્વારા સી.એમના દાવેદારની જાહેરાત કરી દીધી પણ તે સી.એમના ઉમેદવારને કઈ બેઠક ઉપર ચૂંટણી લડાવવી તે નક્કી કરી શકતા નથી. છેલ્લે ખભાળિયાની બેઠક પર ગયા છે. કોંગ્રેસની 125 બેઠક આવશે છે અને સરકાર કોંગ્રેસની બનશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.