સિંહણનો હુમલો:સાવરકુંડલાની સીમમાં સિંહણે દોટ મૂકી બાઇક ચાલકને પછાડી દઇ ઘાયલ કર્યો

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિંહણ થોડી દુર હટતા જ ઘાયલ યુવાન બચવા માટે ઝાડ પર ચડી ગયો

સાવરકુંડલાના મહુવા રોડ પર સીમ વિસ્તારમા એક યુવાન બાઇક પર જતો હતો ત્યારે સિંહણે દોટ મુકી બાઇક પરથી તેને પછાડી દઇ હુમલો કરી ઘાયલ કરી દીધો હતો. આ યુવાને પડકારા કરતા સિંહણ થોડી દુર હટતા ઘાયલ યુવાન બચવા માટે દોડીને ઝાડ પર ચડી ગયો હતો. સાવરકુંડલાની સીમમા એક સિંહણે ત્રણ બચ્ચા સાથે ધામા નાખ્યા છે.

મહુવા રોડ પર લીંડકીયા નેરા તરીકે જાણીતા લીંબાણીના પડતર ખેતરમા આ સિંહણ પડી પાથરી રહે છે. આજે સાવરકુંડલાના કનુભાઇ જસાભાઇ દેવીપુજક પોતાનુ બાઇક લઇ તેના ભાઇને વાડીએ ભાત દેવા જતા હતા ત્યારે સિંહણે સામે ચાલીને બાઇક તરફ દોટ મુકી હતી અને પંજો મારી બાઇક પછાડી દીધુ હતુ.

ત્યારબાદ સિંહણે કનુભાઇ પર હુમલો કરી દીધો હતો અને તેમનો પગ જડબામા દબાવી દેતા તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. હાકલા પડકારાના કારણે સિંહણ થોડી દુર હટતા કનુભાઇ ઘાયલ અવસ્થામા પણ લીમડાના ઝાડ પર ચડી ગયા હતા. સિંહણ અહીથી ચાલ્યા ગયા બાદ ઝાડ પરથી નીચે ઉતરી સારવાર માટે સાવરકુંડલા હોસ્પિટલે પહોંચ્યા હતા. આ વિસ્તારમા બચ્ચાવાળી સિંહણની હાજરીના કારણે લોકોમા ફફડાટ છે.

વનતંત્રની ઘોર બેદરકારી
સાવરકુંડલા પંથકમા સાવજોના હુમલાની ઘટના વધી છે. અગાઉ ઘનશ્યામનગરમા ત્રણ વર્ષના બાળકને સિંહે ફાડી ખાધો હતો. તેનાથી થોડે દુર આવેલા વાવડીમા 13 વર્ષીય કિશોરને પણ ફાડી ખાધો હતો. ત્યારે હવે તદન સાવરકુંડલા નજીક બચ્ચાવાળી જોખમી સિંહણ રહેતી હોવા છતા તંત્ર દ્વારા તેને દુર ખસેડવા કોઇ કાર્યવાહી કરાતી નથી. શહેરી વિસ્તારની સીમમા લોકોની અવરજવર વધુ હોય આજે આ દુર્ઘટના બની હતી.

અન્ય સમાચારો પણ છે...