અમરેલી જિલ્લાના બગસરાના કડાયા ગામથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. સોમવારે મોડી સાંજે એક પાંચ વર્ષીય બાળકીને સિંહ ઉપાડી ગયો હતો. જોકે બાળકીના પિતાએ સિંહ પાછળ દોટ મૂકી બાળકીને સિંહના મોઢામાંથી છોડાવી હતી, પણ અફસોસ પિતા પોતાની વહાલસોયી દીકરીને બચાવી શક્યા ન હતા.
પિતાએ સિંહ પાછળ દોટ મૂકી
અમરેલી જિલ્લાના બગસરના કડાયા ગામે સુક્રમભાઈ ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની એક 5 વર્ષીય દીકરી નિકિતા સોમવારે સાંજે વાડી વિસ્તારમાં પાણીની કુંડી પાસે રમતી હતી. ત્યારે અચાનક એક સિંહ આવી ચડ્યો હતો અને બાળકીને ઉપાડીને ભાગવા લાગ્યો હતો. જોકે પિતા સુક્રમભાઈનું ધ્યાન જતાં તેમણે સિંહ પાછળ દોડ મૂકી હતી.
સિંહ બાળકીને અડધો કિલોમીટર સુધી લઈ ગયો
ગામલોકોના કહેવા પ્રમાણે સિંહ બાળકીને અડધો કિલોમીટર સુધી લઈ ગયો હતો. પિતાએ સિંહ પાછળ દોડ મૂકીને તેને બચાવવાના અઢળક પ્રયાસ કર્યા હતા, પણ નિષ્ફળ રહ્યાં હતા. આ ઘટના બાદ વાડી માલિક અને સ્થાનિક ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જાણ થતાં વન વિભાગના અમરેલી ડિવિઝનના ડી.સી.એફ.પ્રિયંકા ગેહલોત સહિત કર્મચારીઓ દોડી ગયાં હતાં. ગ્રામજનોએ વન વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને બાળકીનો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. જોકે સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
વન વિભાગે રાતોરાત સિંહને પાંજરે પૂર્યો
ગ્રામજનોએ સ્થળ પર સિંહને તાકીદે ઝડપી પાડવા માટે ઉગ્ર માગ ઉઠાવી હતી. ખેડૂતોને કેવી રીતે વાડી વિસ્તારમાં અવરજવર કરવી સહિત અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. સિંહને રાતોરાત જ ઝડપથી પાંજરે પૂરવા માગ ઉઠાવી હતી. જ્યારે વન વિભાગ દ્વારા સિંહને મોડી રાત્રે પાંજરે પૂરી દેવામાં આવ્યો છે.
2019માં દીપડો ઠાર મરાયો હતો
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં બગસરા વિસ્તારમાં દીપડો માનવભક્ષી બન્યો હતો. 5 દિવસ સુધી લોકો પર હુમલા કર્યા હતા. દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં ત્રણથી ચાર લોકો પર હુમલો કરતો હતો. વન વિભાગની ટીમ દ્વારા પાંજરે પૂરવા કવાયત શરૂ કરી, પરંતુ દીપડો નહીં પકડાતાં રાજ્ય સરકાર દ્વારા દીપડાનો ઠાર મારવા આદેશ અપાયા હતા. જ્યારે છઠ્ઠા દિવસે વન વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા મેગા ઓપરેશન કરી એક ગૌશાળામાં દીપડો આવતાં ઠાર માર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.