સિંહનો આતંક:કડાયામાં પાંચ વર્ષની બાળકીને ફાડી ખાનારો સિંહ પાંજરે પુરાયો

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીપડા બાદ હવે સિંહના આતંકથી બગસરા પંથકના ખેડૂતોમાં રોષ

એક તરફ ઉનાળુ પાકના રક્ષણ માટે ખેડૂતોને રાત ઉજાગરા કરવા પડે છે અને ચોમાસુ માથે છે તેવા સમયે ખેતીની તૈયારી પણ ચાલી રહી છે. ત્યારે બગસરાના કડાયામા ગઇરાત્રે સાવજે એક પાંચ વર્ષની બાળકીને ફાડી ખાતા ખેડૂતોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કે વનતંત્રએ રાત્રે જ માનવભક્ષી સિંહને પાંજરે પુરી દીધો હતો. બગસરા વિસ્તારમા અગાઉ માનવભક્ષી દીપડાએ કાળોકેર વર્તાવી એક પછી એક લોકોને શિકાર બનાવ્યા હતા.

જો કે આ માનવભક્ષી દીપડાને ઠાર મારવામા આવ્યા બાદ હવે ત્રણ વર્ષ બાદ આવો જ ખોફ માનવભક્ષી સાવજે ઉભો કર્યો છે. અહીના મહેશભાઇ જોરૂભાઇ ધાધલની વાડીમા ખેતમજુરીનુ કામ કરતા સુકરમ રાજસ્થાનીની પાંચ વર્ષની પુત્રી નિકીતાને વાડીની પાણીની કુંડી પાસેથી સાવજ ગળામા પકડી નાસી ગયો હતો.

ગામ લોકોએ રાત્રે શોધખોળ કરતા એક કિમી દુર આ સાવજ બાળકીને ખાતો નજરે પડયો હતો. ગામ લોકોએ હાકલા પડકારા કરી બાળકીની લાશને સાવજ પાસેથી મુકત કરાવી હતી. રોષે ભરાયેલા ખેડૂતે તાબડતોબ આ માનવભક્ષી સિંહને પાંજરે પુરવા માંગ ઉઠાવી હતી.

​​​​​​​વનવિભાગની ટીમ રાત્રે જ ઘટના સ્થળે દોડી ગઇ હતી. ગામ લોકોએ તો આ વિસ્તારમાથી વનવિભાગ તેના સાવજો ઉઠાવીને લઇ જાય તેવી પણ માંગ કરી હતી. વનવિભાગે રાત્રે જ અહી માનવભક્ષી સાવજને પાંજરે પુર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...