ફરિયાદ:બાબરાના યુવાનને અમદાવાદની યુવતીએ મોહજાળમાં ફસાવી રૂપિયા 1 કરોડ માગ્યાં

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જમીન લે-વેચના બહાને સતત ફોન પર વાત કરી રૂબરૂ મળવા બોલાવ્યા બાદ ફસાવ્યો
  • કારમાં​​​​​​​ ચાર શખ્સે આંતરી મારકૂટ કરી વીડિયો ઉતાર્યો: 5 લાખ વસૂલવા 4 ચેક લખાવી લીધા

બાબરામાં માર્કેટિંગ યાર્ડ સામે રહેતા એક યુવાનને અમદાવાદ પંથકની યુવતીએ જમીન લે-વેચના નામે ફોન પર વાતચીત કરી બાદમાં રૂબરૂ મળવા બોલાવી અન્ય ચાર શખ્સની મદદથી કારસામાં ફસાવ્યો હતો અને એક કરોડ વસૂલવા ધમકીઓ આપી હતી. તેણે યુવતી સાથે શરીરસંબંધ બાંધ્યો છે તેવો આક્ષેપ કરી અંતે 5 લાખ વસૂલવા તેની પાસેથી ચેક પણ લઇ લીધા હતા.

બાબરામાં યાર્ડ સામે રામદેવનગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ અમરશીભાઇ કરકર (ઉ.વ.42) સાથે બની હતી. એક યુવતી અને ચાર યુવાને તેને ફસાવવા જાળ નાખી હતી. એસી, ફ્રીઝ રિપેરિંગનું કામ કરતા આ યુવકના ફોન પર ત્રણેક માસ પહેલા અજાણી યુવતીનો ફોન આવ્યો હતો. અને જમીન લે-વેચના કામ માટે રાજકોટ રોડે મામાપીરના મંદિરે બોલાવ્યો હતો. ઔપચારિક વાત કરી બંને છૂટા પડ્યા હતા. ત્યારબાદ આ યુવતીનો અવારનવાર ફોન આવતો હતો અને જમીન અને ગાયોની લે-વેચની વાતો કરી તમને મળવા માગું છું તેમ કહેતી હતી.

ગત 30મી તારીખે આ યુવતીનો ફરી ફોન આવ્યો હતો અને તે બાબરા આવી હોય મળવા આવવા કહ્યું હતું. જેથી ભરતભાઇ કરકર પોતાનું મોટરસાઇકલ લઇ કરિયાણા રોડે ગયા હતા. અવાવરું જગ્યાએ ઊભેલી યુવતી બાઇક પર બેસી ગઇ હતી. જ્યાંથી બંને તાઇવદરના કાચા ગાડા માર્ગે ગયા હતા. જોકે યુવતીની હરકતો બરાબર ન હોય તેણે બાઇક પાછું વાળી લીધું હતું. જોકે બાબરામાં કરિયાણા રોડે પહોંચતા એક ઇકો કાર આડી ઉતરી હતી. તેમાં બેઠેલા ચાર શખ્સે બળજબરી કરી તેને કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. કારમાં બેઠેલા યુવકોએ વીડિયો ઉતારવાનું શરૂ કર્યું હતું.

જેમાં યુવતીએ આ યુવક સાથે શરીરસંબંધ બાંધ્યો હોવાની કબૂલાત આપી હતી. અને બાદમાં યુવકને પણ આવી જ કબૂલાત કરવા દબાણ કરાયું હતું. જે ન કરતા તેને મારકૂટ પણ કરવામાં આવી હતી. આ યુવકને કારમાં ગઢડાથી આગળ સુધી અપહરણ કરી લઇ જવાયો હતો આ પ્રકરણમાંથી છૂટવા એક કરોડ મગાયા હતા.

બાદમા 50 લાખ અને અંતે 5 લાખની માગણી કરાઇ હતી. જોકે આ યુવક પાસે રકમ ન હોય તેના પુત્ર મારફત ચાર કોરા ચેક મગાવી લખાવી લીધા હતા. 5 લાખની રોકડ ચૂકવી આ ચાર ચેક લઇ જવાનુ કહી યુવકને છોડી દેવાયો હતો. બે દિવસ સુધી નાણાંની વ્યવસ્થા ન થયા બાદ આખરે આ યુવાને બાબરા પોલીસમથકે દોડી જઇ મનીષા નામની આ અમદાવાદ પંથકની યુવતી તથા 4 સામે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.

પત્નીએ સાથ આપતા ફરિયાદ
યુવકને છોડી દેવાયા બાદ પણ આ યુવતીનો 5 લાખ માટે ફોન આવતો હતો. શરૂઆતમાં યુવકે કોઇને વાત કરી ન હતી. પરંતુ અંતે પોતાની પત્નીને વાત કરી હતી. અને પત્નીએ સાથ આપતા તે પત્નીને લઇ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...