ફર્નિચરની દુકાનમાં આગ ભભૂકી:લાઠીના શેખ પીપરિયા ગામે દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ લાગી, ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડ્યો

અમરેલીએક મહિનો પહેલા
  • ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવાયો, તેમ છતાં મોટા પ્રમાણમાં નુકસાન
  • દુકાનમાં લાકડાનો જથ્થો વધારે હોવાને કારણે આગ પોણા કલાક સુધી કાબુમાં ન આવી

ઉનાળાની ઋતુમાં અમરેલી જિલ્લામાં આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે વધુ એક ઘટના લાઠી તાલુકાના શેખ પીપરિયા ગામમાં સામે આવી છે. અહીં સુખનાથ ફર્નિચર નામની દુકાનમાં અચાનક આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. જો કે જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંદર કામ કરતા લોકો ઝડપથી બહાર આવી ગયા હતા. ઘટનામાં કોઈને ઇજા થઇ નહોતી, પરંતુ આગ વધુ જ્વલંત બની ગઈ હતી, જેના કારણે વ્યાપક નુકસાન ગયું હતું. સ્થાનિક લોકો દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયરની ટીમ પણ અહીં દોડી આવી હતી અને પાણીનો સતત મારો ચલાવ્યો હતો.

આ દુકાનમાં લાકડાનો જથ્થો વધારે હોવાને કારણે આગ પોણા કલાક કરતા વધુ સમય સુધી વિકરાળ બનતી રહી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો લગાવી તેને કંટ્રોલ કરવામાં આવી હતી. પરંતુ ફર્નિચરનો મોટાભાગનો માલ-સામાન બળીને ખાખ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...