મેાંઘવારીનો માર પતંગ બજાર પર પણ પડી રહ્યો છે. અમરેલીમા ગત વર્ષની સરખામણીમા ઓણસાલ પતંગ અને ફિરકીના ભાવમા 30થી લઇ 40 ટકા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે અત્યાર સુધી પતંગ બજાર સુસ્ત જોવા મળ્યું છે. જો કે હવે છેલ્લા બે દિવસમા સારી ખરીદી નીકળવાની વેપારીઓને આશા છે. અમરેલી જિલ્લામા દર મકરસંક્રાંતિ પર્વ પર જાણે પતંગ યુધ્ધ જામે છે. ખાસ કરીને યુવા વર્ગમા મકરસંક્રાંતિ પર પતંગ ચગાવવાનો ક્રેઝ યથાવત જળવાઇ રહેલો જોઇ શકાય છે. પરંતુ હવે તેના પર મોંઘવારીની અસર પણ વર્તાઇ રહી છે.
સામાન્ય રીતે પતંગ બજારમા દર વર્ષે થોડો ઘણો કે નામ માત્રનો વધારો થતો રહે છે. પરંતુ ચાલુ વર્ષે આ ભાવ વધારો આકરો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પતંગ અને દોરીના ભાવમા તેાતીંગ વધારો થયો છે. પહેલો ભાવ વધારો સીધો કાચી દોરીમા જ જોઇ શકાય છે. તો બીજી તરફ આ દોરીને માંજો પાવા માટેનો ખર્ચ પણ ઉંચો ગયો છે. અને હવે દોરી પાવાના કામની મજુરી પણ ઉંચી ચુકવવી પડે છે. જેના કારણે પાકી દોરીની પડતર ઉંચી ગઇ છે. આમ તો અમરેલી જિલ્લામા પાકી દોરી સામાન્ય રીતે સુરત અને અમદાવાદ જિલ્લામાથી આવે છે. પરંતુ અમરેલીમા પણ મોટા પ્રમાણમા યુવાનો કાચી દોરી ખરીદી પોતાની દેખરેખ નીચે જ તેને માંજો પાવાનુ કામ કરે છે. તૈયાર ફિરકીના ભાવમા 40 ટકા જેવો વધારો આવ્યો છે.
આ ભાવ વધારો નામી બ્રાંડ ઉપરાંત ચીલાચાલુ દોરીમા પણ જોઇ શકાય છે. આવી જ સ્થિતિ પતંગની જોવા મળી રહી છે. કાગળના ભાવની સાથે સાથે મજુરીના દર પણ ઉંચા ગયા હોય પતંગની પડતર વધી છે. જેના પગલે પતંગના ભાવમા 30 થી 40 ટકાનો વધારો છે. અમરેલી જિલ્લામા પતંગ બનતી નથી. અહી તમામ પતંગ ગુજરાત સાઇડથી આવે છે. વધેલા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વિગેરેની અસર પણ પતંગના ભાવ પર પડી છે. જેના પગલે હાલમા અમરેલીની બજારમા રૂા.20 થી લઇ 300ની કિમતની પાંચ પતંગનો પંજો મળી રહ્યો છે.
પતંગ રસીયાઓને આમપણ ઉતરાયણ મોંઘી પડવાની છે. કારણ કે મોંઘવારીનો માર માત્ર પતંગ અને ફિરકીમા નથી. શેરડીથી લઇ લીલા ચણા અને ચીકીથી લઇ ખજુર સુધીના ભાવ વધ્યાં છે. વળી લેન્ટર્સ, ફુગ્ગા, બ્યુગલ, અવનવી હેટ વિગેરે વસ્તુઓના ભાવમા પણ આકરો વધારો જોઇ શકાય છે.
ખાસ કરીને ગયા વર્ષની સરખામણીમા જ ચાલુ વર્ષે આ ભાવ વધારો ઉભરીને સામે આવ્યો છે. જેના પગલે વેપારમા 30 ટકા જેટલો ઘટાડો જોઇ શકાય છે. સામાન્ય રીતે 11 તારીખ સુધીમા જે વેપાર જોવા મળતો હોય છે તેવો વેપાર અત્યાર સુધીમા વેપારીઓને થયો નથી. જો કે અંતિમ બે દિવસમા મોટી ખરીદી નીકળશે તે ચૌક્કસ છે. પરંતુ વેપાર ગત વખત કરતા ઘટવાના એંધાણ છે.
અંતિમ બે દિવસમાં જિલ્લાની પતંગ બજારમાં મોટી ખરીદી નીકળશે તે ચૌક્કસ છે
ખંભાત- નડિયાદ - અમદાવાદ થી આવે છે પતંગ
અમરેલી જિલ્લામા પતંગનુ ઉત્પાદન થતુ નથી. અહી આવતી તમામ પતંગ મોટાભાગે ખંભાત, નડીયાદ અને અમદાવાદથી આવે છે. જયારે તૈયાર ફિરકીઓ મોટાભાગે સુરત અને અમદાવાદથી આવે છે.
હજુ સુધી ખરીદી નીકળી નથી
અમરેલીના પતંગના જાણીતા વેપારી અલીભાઇએ જણાવ્યું હતુ કે હજુ સુધી પતંગ બજારમા મોટી ખરીદી નીકળી નથી. પતંગ અને માંજાના ભાવ વધારાની અસર પતંગ બજાર પર સ્પષ્ટ જોવા મળી રહી છે. > અલીભાઇ
બ્યુગલ અને ગેસના ગુબ્બારા બનશે આકર્ષણ
અમરેલી શહેરમા હાલમા અવનવા બ્યુગલ્સનો મોટો જથ્થો બજારમા ઠલવાયો છે. ઉપરાંત ગેસના વિવિધ આકારના ગુબ્બારાનુ વેચાણ પણ ચાલુ થયુ છે. જે વિશેષ આકર્ષણ બનશે. શહેરમા ટાવર ચોક, રાજકમલ ચોક, નાના બસ સ્ટેન્ડ, ગાંધીબાગ, સિનીયર સિટીઝન પાર્ક, સરદાર ચોક, સ્ટેશન રોડ વિગેરે વિસ્તારમા પતંગના સ્ટોલ લાગ્યાં છે.
ચાઇનીઝ દોરી અને લેન્ટર્સનું વેચાણ ઠપ્પ
આમ તો દર વર્ષે તંત્રનો પ્રતિબંધ હોય છતા ચાઇનીઝ દોરી અને લેન્ટર્સનુ વેચાણ થાય છે. પરંતુ ચાલુ સાલે પોલીસે કોઇ ઢીલ રાખવાના બદલે ઠેકઠેકાણે દરોડા પાડી ચાઇનીઝ ફિરકીઓ પકડી ગુનાઓ દાખલ કર્યા છે. જેના પગલે જિલ્લાના મોટાભાગના વિસ્તારમા ચાઇનીઝ દોરી અને લેન્ટર્સનુ વેચાણ ઠપ્પ થયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.