જીવ બચાવાયો:ઉચૈયામાં ખુલ્લા કુવામાં ખાબકેલા 8 માસનું સિંહ બાળને બચાવાયું, વન વિભાગની રેસ્ક્યુ ટીમે એનિમલ કેર સેન્ટરમાં ખસેડ્યું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજુલા તાલુકાના ઉચૈયા ગામે ગઈકાલે રેવન્યુ વિસ્તારમાં વાડીમાં પાણી ભરેલા કુવામાં 8 માસનું સિંહ બાળ ખાબકતા વન વિભાગને જાણ કરાઈ હતી. વન તંત્રની રેસ્ક્યુ ટીમે આ સિંહ બાળને સલામત રીતે બહાર કાઢી સારવાર માટે ખસેડ્યું હતું. ગીર કાંઠાના રેવન્યુ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રહેલા ખુલ્લા કુવાઓ સાવજો માટે અવાર-નવાર જોખમી સાબીત થઈ રહ્યા છે. ત્યારે રાજુલા તાલુકાના ઉચૈયા ગામની સીમમાં એક ખેડૂતની વાડીમાં આઠ માસનું સિંહ બાળ કુવામાં પડી ગયું હતું.

આ કુવામાં પાણી ભરેલું હોય સિંહ બાળના જીવ પર જોખમ હતું. જો કે ગામ લોકોને આ ઘટનાની જાણ થતા તાબરતોબ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. જેને પગલે વન વિભાગની રેસ્ક્યુ ટીમ અહી દોડી આવી હતી. કુવામાં ખાટલો ઉતારી દોરડા વડે આ સિંહ બાળને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું. વન વિભાગની ટીમે આ સિંહ બાળને પાંજરે પુર્યું હતું. અને બાદમાં આશરે આઠ માસની ઉમરના આ સિંહને જાફરાબાદ તાલુકાના બાબરકોટ ખાતે આવેલ એનિમલ કેર સેન્ટરમાં લઈ જવાયું હતું. ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયાએ જણાવ્યું હતું કે ખુલ્લા કુવામાં પડેલા સિંહ અંગે ગામજનોને જાણ થતા વન તંત્રને બોલાવી તેનો જીવ બચાવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...