અમરેલી જિલ્લાની પાંચ સીટ માટે મતદાન યોજાય તેના 36 કલાક પહેલા આજે સાંજે પ્રચારના ભુંગળાઓ શાંત થઇ ગયા હતા. આવતીકાલે સવારથી જ ચુંટણી ફરજમા રોકાનારા તમામ કર્મચારીઓને તેમના બુથ પર મોકલવાનુ કામ કરવામા આવશે. અને બપોર સુધીમા તમામ કર્મચારીઓ બુથ પર પહેાંચી જશે. જયાં 1 ડિસેમ્બરે મતદાન યોજાશે.
સમગ્ર વહિવટી તંત્રનુ ધ્યાન હવે શાંતીપુર્ણ અને સુચારૂ રીતે મતદાન પ્રક્રિયા યોજાય તેના પર કેન્દ્રિત થયેલુ છે. અમરેલી જિલ્લાની પાંચ સીટ માટે 7725 કર્મચારીઓને મતદાન સ્ટાફ તરીકેની ડયુટી સોંપવામા આવી છે. જુદાજુદા સરકારી વિભાગોમા નોકરી કરતા આ કર્મચારીઓને પોતાના વસવાટ અને નોકરીના તાલુકાને બદલે અન્ય તાલુકામા ફરજ સોંપવામા આવી છે.
આ કર્મચારીઓને આજે જ જે તે ડિસ્પેચીંગ સેન્ટર પર પહોંચી જવા જણાવી દેવાયુ હતુ. આવતીકાલે સવાર પડતા જ જિલ્લામા કુલ પાંચ ડિસ્પેચીંગ સેન્ટર પરથી ચુંટણી બુથ પર ફરજ બજાવનારા કર્મચારીઓને તેમના ફરજના સ્થળે રવાના કરાશે. આ માટે એસટી બસોનો ઉપયોગ કરાશે. એસટીના જુદાજુદા રૂટ પણ નક્કી કરી લેવાયા છે. જેથી તે રૂટમા આવતા બુથ પર કર્મચારીઓને પહોંચાડી શકાય.
પ્રિસાઇડીંગ ઓફિસરને તંત્ર દ્વારા ઇવીએમ મશીન, વીવીપેટ સહિત જુદીજુદી 98 વસ્તુઓની કીટ આપવામા આવશે. પહેલી તારીખે સાંજે મતદાન પુર્ણ થયા બાદ બુથ પરના તમામ કર્મચારીઓ ઇવીએમ સહિત તમામ ચુંટણી સામગ્રી લઇ રીસીવીંગ સેન્ટર પર પહોંચશે. અને ત્યાં જમા કરાવેલા ઇવીએમ બાદમા સ્ટ્રોંગરૂમમા સીલ કરાશે.
માનવ સાંકળ રચી મતદાનની અપીલ
અમરેલી જિલ્લામા વિધાનસભા સામાન્ય ચુંટણી દરમિયાન વધુમા વધુ મતદાન થાય તે માટે ચુંટણી તંત્ર દ્વારા મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજવામા આવી રહ્યાં છે. ત્યારે અમરેલી સ્થિત જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ સ્કુલ ખાતે વિદ્યાર્થીનીઓએ વોટ ફોર અમરેલી માનવ સાંકળ રચી મતદાન કરવાની અપીલ કરી હતી.
પ્રિસાઇડીંગ ઓફિસરને શું શું અપાશે ?
પ્રિસાઇડીંગ ઓફિસરને 1 વીવીપેટ, 1 પીયુ, 1 સીયુ ઉપરાંત મતપત્રો, સેવા મતદારોની યાદી, એજન્ટોની સહીનો નમુનો, મતદારયાદીની નિશાની વાળી નકલ, ઉમેદવારોની યાદી, ઇવીએમ માટે ગ્રીન પેપર સીલ, મતદારોની સ્લીપ, રબ્બરના સિક્કા, ધાતુનુ સીલ, શ્યાહીનો ખડીયો વિગેરે વસ્તુઓ આપવામા આવશે. આ ઉપરાંત 28 પ્રકારના ફોર્મ અપાશે. મતકુટીર, મત કુટીર માટેનુ સ્ટેન્ડ, બ્લેડ, સેલોટેપ, બેાલપેન, મીણીયો દોરો વિગેરે જેવી વસ્તુઓ પણ અપાશે.
મતદાન મથક નજીક મોબાઇલ લાવવા પર પ્રતિબંધ
આદર્શ આચાર સંહિતાના અમલ માટે તંત્રએ મતદાન મથકની 100 મીટરની ત્રિજયામા મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ, વોકીટોકી જેવા સાધનો સાથે રાખવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.