અમરેલી જિલ્લામા છેલ્લા એક પખવાડીયા દરમિયાન થયેલા માવઠાના કારણે શિયાળુ પાક અને બાગાયતી પાકને નુકશાન થયુ છે ત્યારે આ નુકશાનીના સર્વે માટે હાલમા 71 ટીમ કાર્યરત કરી દેવાઇ છે.
અમરેલી જિલ્લાના દરેક તાલુકામા માવઠાના કારણે ઓછા વધતા અંશે નુકશાન થયુ છે. વળી આ માવઠુ બે તબક્કામા આવ્યું છે. એક પખવાડીયા પહેલા પણ કમોસમી વરસાદ થયો હતો અને ખેતીવાડીને નુકશાન થયુ હતુ. જે અંગે સર્વેની ટીમો કાર્યરત હતી ત્યાં જ બીજી વખત માવઠુ આવી પડયુ છે અને છેલ્લા છ દિવસથી જિલ્લાના જુદાજુદા ભાગોમા કમોસમી વરસાદ થઇ રહ્યો છે. ત્યારે હવે આ સર્વેની કામગીરી યથાવત રાખી વધુ ટીમોને કામે લગાડવામા આવી છે.
જિલ્લા કલેકટરની સુચનાથી ખેતીવાડી વિભાગ દ્વારા કુલ 71 ટીમો બનાવવામા આવી છે. જે સર્વે કરી રહી છે. રાજુલા જાફરાબાદ, ખાંભા, ધારી, બગસરા, અમરેલી, બાબરા, લાઠી, લીલીયા, સાવરકુંડલા તાલુકાના અનેક ગામોમા કમોસમી વરસાદથી ખેત જણસોને નુકશાન થયુ છે. ત્યારે આ ટીમો દરેક વાડી ખેતર પર પહોંચી નુકશાનીનો તાગ મેળવી રહી છે.
જેમ જેમ કમોસમી વરસાદ વરસતો જાય છે તેમ તેમ ખેતીની નુકશાનીવાળા ગામોની સંખ્યા પણ વધતી જાય છે અને તે ગામોને પણ સર્વેમા સમાવી લેવામા આવશે. વાડી ખેતરમા ઉભેલા કે લણીને ઢગલા સ્વરૂપે પડેલા શિયાળુ પાકને તો નુકશાન છે જ સાથે સાથે બાગાયતી પાકોને મોટા પ્રમાણમા નુકશાન થયુ છે. માવઠુ પુર્ણ થયા બાદ સર્વેની કામગીરી આટોપી સર્વગ્રાહી રીપોર્ટ સરકારમા મોકલાશે.
અન્ય જિલ્લામાંથી ટીમો બોલાવવા પ્રયાસ
અમરેલી જિલ્લામાથી ખેતીવાડી વિભાગ અને અન્ય કર્મચારીઓની 71 ટીમ બનાવાઇ છે. અન્ય જિલ્લામાથી ટીમો બોલાવવા પણ પ્રયાસ કરાયો હતેા. જો કે હજુ બહારની કોઇ ટીમો આવી નથી.
નુકસાની અંગે ફોટોગ્રાફસ લેવાશે
સર્વેમા જોડાયેલી ટુકડીઓ જે તે વાડી ખેતર પર પહોંચી નુકશાની અંગે સંપુર્ણ વિગત મેળવશે. એટલુ જ નહી નુકશાની અંગેના ફોટોગ્રાફસ પણ મેળવશે.
દરેક કર્મી સર્વે સીટ ભરશે
જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતુ કે પ્રથમ વખત માવઠાથી જ સર્વે શરૂ છે અને હવે ટીમો વધારાઇ છે. જે પ્રાયમરી રીપોર્ટ આપશે. સર્વેની ટીમો સર્વે સીટ ભરી રહી છે.> ગૌરાંગ મકવાણા, કલેકટર
કેરીના પાકને સૌથી વધુ નુકસાન
ઘઉં, લસણ, જીરૂ, ધાણા, ડુંગળી વિગેરે શિયાળુ પાકને વ્યાપક પ્રમાણમા નુકશાન થયુ છે. સાથે સાથે આંબા પર આવેલા કેરીના પાકને સૌથી વધુ નુકશાન થયુ છે. પવન અને વરસાદના કારણે ખાખડીઓ અને મોર ખરી જવાની ઘટના બની છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.