આંગણવાડીઓ જર્જરિત:રાજુલા તાલુકામાં 170માંથી 70 આંગણવાડી ભાડાના મકાનમાં

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેટલી છે તે આંગણવાડીઓ પણ જર્જરિત : રાજુલા શહેરમાં પણ 50 ટકાથી વધુ આંગણવાડી પાસે મકાન નથી

રાજુલા શહેરમા આંગણવાડીમા ભણતા માસુમ ભુલકાઓ માટે સરકાર યોગ્ય સુવિધાઓ પુરી પાડવામા નિષ્ફળ જઇ રહી છે. રાજુલા શહેરમા કુલ 31 આંગણવાડી કાર્યરત છે. જે પૈકી 17 આંગણવાડી કેન્દ્ર ભાડાના મકાનમા ચાલી રહ્યાં છે. તંત્રની પોતાની માલિકીના મકાનો નહી હોવાથી આ આંગણવાડીઓ ભાડાના મકાનમા ચાલે છે. સ્વાભાવિક રીતે જ ભાડાના મકાનમા ચાલતી આ આંગણવાડીઓમા પુરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી.

રાજુલા શહેરમા આંગણવાડીનુ છેલ્લુ મકાન વર્ષ 2018ની સાલમા બન્યું હતુ. ત્યારબાદ શહેરમા એકપણ આંગણવાડી કેન્દ્ર નવુ બનાવવામા આવ્યું નથી. શહેરમા નવી આંગણવાડી બનાવવાના મુદે તંત્ર દ્વારા એકબીજાને ખો આપવામા આવી રહી છે. નગરપાલિકા સતાધીશો અહી આંગણવાડી બનાવવાની જવાબદારી તાલુકા, જિલ્લા પંચાયત માથે હોવાનુ જણાવાઇ રહ્યું છે. જયારે પંચાયતના સુત્રો એવુ જણાવી રહ્યાં છે. આ માટે નગરપાલિકાએ શહેરમા જમીન ફાળવવી જોઇએ.

જો કે આવી સ્થિતિ માત્ર રાજુલા શહેરની નથી. સમગ્ર તાલુકામા આ સ્થિતિ છે. રાજુલા તાલુકામા 170 આંગણવાડી કેન્દ્રો છે. જે પૈકી 70 આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમા ચાલી રહ્યાં છે. રાજુલા શહેરમા કદાચ નગરપાલિકા તરફથી જમીન નહી મળતી હોય પરંતુ ગ્રામ્ય વિસ્તારમા આ પ્રશ્ન ન હોવા છતા અહી 70 સ્થળે તંત્રના પોતાના આંગણવાડી કેન્દ્રો નથી. જે વળી 100 સ્થળે આંગણવાડી કેન્દ્રો છે ત્યાં પણ સ્થિતિ સારી નથી અને કેટલાક કેન્દ્રો તદન જર્જરિત હાલતમા છે.

ચાર વર્ષ પહેલા પ્રમુખના વિસ્તારમાં બની આંગણવાડી
રાજુલામા વર્ષ 2018મા તે વખતના પાલિકા પ્રમુખના વિસ્તાર ધર્મરાજ સોસાયટીમા આંગણવાડી કેન્દ્ર બનાવવામા આવ્યું હતુ. ત્યાર પછી 10 પાલિકા પ્રમુખ બદલાયા પરંતુ એકપણ નવુ આંગણવાડી કેન્દ્ર બન્યું નથી.

કઇ કઇ આંગણવાડી કેન્દ્ર ભાડાના મકાનમા ?
રાજુલામા ઘોરવાડ, બાવળીયાવાડી, જુનો વાસ, સંઘીપા, બ્રાહ્મણ સોસાયટી, રામજી મંદિર, વડનગર ટાંકી, મફતપરા, ધારનાથ, શ્રીજીનગર, કાંગસીયા, સલાટપા, બેટીયાવાસ વિગેરે વિસ્તારમા આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમા ચાલી રહ્યાં છે.

આઇસીડીએસની ઓફિસ પણ ભાડાના મકાનમાં
રાજુલા તાલુકામા આંગણવાડી કેન્દ્રની વાત તો છોડો પરંતુ તમામ આંગણવાડી કેન્દ્રોનો જયાંથી વહિવટ થાય છે તે આઇસીડીએસ કચેરી પણ ભાડાના મકાનમા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...