તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીજળી મળી નથી:60 હજાર વિજપોલ ઉભા કરવાના બાકી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વાવાઝોડાના 49 દિવસ બાદ પણ ખેતીવાડીના 127 ફીડર બંધ
  • 15500 કનેક્શનમાં હજુ વીજળી મળી નથી : 490 ટીમ કામે લગાડાઈ: 1 વર્ષે પણ વિજપોલ ઉભા નહિ થાય ?

અમરેલી જિલ્લામાં વાવાઝોડાના 49 દિવસ બાદ પણ ખેતીવાડીના 127 ફીડર બંધ છે. જેના કારણે હજુ પણ 15500 કનેક્શન વીજળી વિહોણા છે. તેમજ જિલ્લાભરમાં વાવાઝોડામાં ધરાશય થયેલ વીજપોલમાંથી અત્યારે 60 હજાર જેટલા વિજપોલ ઉભા કરવાના બાકી છે. 100 ટકા વીજ પુરવઠો કાર્યરત કરવા માટે 490 જેટલી ટીમ દોઢ માસથી કામગીરી કરી રહી છે. આજ ગતિએ કામ ચાલશે તો એક વર્ષે પણ વિજપોલ ઉભા નહિ થાય જિલ્લામાં 50 હજાર જેટલા ખેતીવાડીના વીજ કનેક્શન છે.

પણ વાવાઝોડાના કારણે 404 ફીડર અસરગ્રસ્ત થયા હતા. જેના કારણે ખેતીવાડીના 50 હજાર કનેક્શન પર વીજ પુરવઠો ખોરવાયો હતો. પરંતુ વાવાઝોડાના 49 દિવસ બાદ માત્ર ખેતીવાડીના 277 ફીડર પર 34500 વીજ કનેક્શન શરૂ થયા છે. અત્યારે જિલ્લાભરમાં 127 ફીડર પર ખેતીવાડીના 15500 વીજ કનેક્શન બંધ છે. વીજ વિભાગ હજુ 60 હજાર વીજપોલ ઉભા કરશે. ત્યારે જિલ્લામાં 100 ટકા ખેતીવાડીનો વીજ પુરવઠો કાર્યરત થશે.

ખેતીવાડી વીજ પુરવઠો શરૂ કરવા માટે 318 કોન્ટ્રાકટર અને 172 વીજ વિભાગની ટીમ કામગીરી કરી રહી છે. બીજી તરફ જિલ્લામાં મોટાભાગના વિસ્તારમાં વાવણી કાર્ય પૂર્ણ થઈ ગયું છે. અને વરસાદ ખેંચાયો છે. તેવા સમયે મુર્જાતી મોલાતને પાણીની તાતી જરૂરીયાત ઉભી થઈ છે. અને લાઈટના અભાવે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. જિલ્લામાં 68 હજાર વિજપોલ પડી ગયા હતા જેમાંથી હજુ 60 હજાર ઉભા કરવાના બાકી છે. આવી જ ગતિથી કામ ચાલશે તો એક વર્ષે પણ બધા વિજપોલ ઉભા નહિ થઈ શકે.

31 જુલાઈ સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવાશે: કચેરીના સુત્રો
અમરેલી વીજ વર્તુળ કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી 31 જુલાઈ સુધીમાં 100 ટકા ખેતીવાડી વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવશે.

3 તાલુકામાં વીજ વિભાગની 80 ટકા ટીમ કામે વળગી
​​​​​​​વાવાઝોડાના કારણે રાજુલા, જાફરાબાદ અને ધારી પંથકમાં ખેતીવાડીની વીજ લાઇન તહેશ નહેશ થઈ છે. 490 ટીમમાંથી 80 ટકા ટીમ રાજુલા, જાફરાબાદ અને ધારી તાલુકામાં કામગીરી કરી રહી છે.

અન્ય જિલ્લાના કર્મચારીઓ પણ દોઢ માસથી કામે લાગ્યા
​​​​​​​અમરેલી જિલ્લામાં વાવાઝોડાએ સર્જેલી તારાજીના સમારકામ માટે અન્ય જિલ્લામાંથી વીજ ટીમ બોલાવવામાં આવી છે. આ ટીમો છેલ્લા દોઢ માસથી કામ કરે છે.
​​​​​​​
​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...