અમરેલી જિલ્લામાં કોરોનાની બીજી લહેર શમી ગઇ છે. અત્યારે જિલ્લામાં કોરોનાના માત્ર 5 એક્ટીવ કેસ છે. તેમાંથી 1 યુવતિ કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને 4 દર્દી ઘરે સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ દરરોજ બે હજારથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરી રહ્યું છે. જિલ્લામાં ભલે કોરોનાના કેસમાં ઘટાડો થયો હોય પણ કોરોના ગાઈડલાઈનનું પાલન જરૂરી બન્યું છે.અમરેલી જિલ્લા આરોગ્ય શાખાના ડો. સિંહાએ જણાવ્યું હતું કે જિલ્લામાં અત્યારે માત્ર અમરેલી સિવીલ હોસ્પિટલમાં કોવિડ હોસ્પિટલ કાર્યરત છે.
દરરોજ 2000 થી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. અત્યારે અમરેલી, લાલાવદર, કુંકાવાવ, લીલીયા અને રાજુલાના ખેરામાં કોરોનાનો એક કેસ એક્ટીવ છે. જેમાંથી 29 વર્ષિય યુવતિ અમરેલી કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બાકીના ચારેય કેસ હોમ આઈસોલેટ સાથે સારવાર મેળવી રહ્યા છે.જિલ્લામાં કોરોનાના કેસમાં ચોક્કસ ઘટાડો આવ્યો છે. પણ સંભવીત કોરોનાની ત્રીજી લહેરથી બચવા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન થતું નથી.
શાકમાર્કેટ , બજારો, સરકારી કચેરીઓ, દરેક તાલુકામાં જનસેવા કેન્દ્રથી માંડી તમામ જગ્યા પર કોરોના ગાઈડલાઈનના લીરેલીરા ઉડી રહ્યા છે. આગામી કોરોનાની ત્રીજી લહેરથી અમરેલી જિલ્લાને બચાવવા માટે ગાઈડલાઈનનું પાલન જરૂરી બન્યું છે. તંત્રએ પણ જિલ્લાભરમાં એક્શનમાં આવી માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સના નિયમનું પાલન કરાવવું જરૂરી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.