ઠગાઇ:ખાલસા કંથારિયામાં સહકારી મંડળીના મંત્રીની રૂા.46.50 લાખની છેતરપીંડી

અમરેલી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અલગ અલગ લોન ધિરાણના કેસોના ખોટા ડોકયુમેન્ટ બનાવી રકમ ઉપાડી લીધી

જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયામા આવેલ ખાલસા કંથારીયા સેવા સહકારી મંડળીના મંત્રીએ પોતાની ફરજ દરમિયાન અલગ અલગ લોન ધિરાણ કેસોના ખોટા ડોકયુમેન્ટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી રૂપિયા 46.50 લાખની છેતરપીંડી આચરતા આ બારામા તેની સામે નાગેશ્રી પોલીસ મથકમા ફરિયાદ નોંધાઇ છે.સહકારી મંડળીમા છેતરપીંડીની આ ઘટના જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયામા બની હતી.

ખાલસા કંથારીયા સેવા સહકારી મંડળીના પ્રમુખ ઓઢાભાઇ એભલભાઇ વરૂએ નાગેશ્રી પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે મંડળીમા મંત્રી તરીકે જશવંતભાઇ હિમતલાલ શાહની તારીખ 1/1/89ના રોજ નિમણુંક કરવામા આવી હતી. ત્યારથી તેઓ મંત્રી તરીકે ફરજ બજાવે છે.મંડળીનુ તા. 29/9/21 તેમજ 1/10/20 વિગેરે તારીખે ઇન્સ્પેકશન કરવામા આવ્યું હતુ.

તે દરમિયાન મંત્રી જશવંતભાઇએ તેમની ફરજ દરમિયાન બોગસ ધિરાણ, લોન કેસો જાતે તૈયાર કરી કમિટીની જાણ બહાર અને તેઓ સભાસદ ન હોવા છતા તેમને મંડળીના રેકર્ડ પર અલગ અલગ તારીખે તેમના નામે ધિરાણ લોન કેસના દસ્તાવેજો ખરા તરીકે ઉપયોગ કરી લોન મેળવી હતી.તેમણે કર્મચારી સીસીલોન, મકાન લોન વિગેરે મળી કુલ 59.50 લાખની ઉચાપત કરી હતી. બાદમા તેમણે 13 લાખની રકમ જમા કરાવી હતી અને અન્ય રકમ ભરવા કબુલાત લખી આપી હતી. જો કે તેમ છતા તેમણે 46.50 લાખની રકમ ભરપાઇ ન કરી મંડળી સાથે છેતરપીંડી આચરી હતી.

મંડળીના પ્રમુખ અને સભ્યોને અંધારામા રાખ્યા
જશવંતભાઇએ ખોટા ધિરાણ અને લોન કેસ કરી કુલ 59.50 લાખની રકમની ઉચાપત કરી હતી. ઇન્સ્પેકશનમા ધ્યાનમા આવતા તેમણે 13 લાખની રકમ ભરપાઇ કરી દીધી હતી. આ સમગ્ર બાબતે તેઓએ પ્રમુખ અને સભ્યોને અંધારામા રાખી આ છેતરપીંડી આચરી હતી.

અન્ય સમાચારો પણ છે...