અમરેલી જિલ્લા પંચાયત કચેરીમા અધિકારીઓ અને કર્મચારીઓ વિગેરે મળી 460 જગ્યાઓ વણપુરાયેલી છે. આ પ્રશ્ને સાંસદ તેમજ ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીને રજુઆત કરવામા આવી છે. સાંસદ કાછડીયા, ધારાસભ્ય કૌશિકભાઇ વેકરીયા, જનકભાઇ તળાવીયા, જે.વી.કાકડીયા, હિરાભાઇ સોલંકી, મહેશ કસવાલા દ્વારા મુખ્યમંત્રી અને પંચાયત મંત્રીને કરાયેલી રજુઆતમા જણાવ્યું હતુ કે અમરેલી જિલ્લા પંચાયત કચેરીમા વર્ગ-1,2 અને 3ની જગ્યા વણપુરાયેલી હોય અરજદારો તેમજ વિકાસ કામોમા ભારે મુશ્કેલી પડી રહી છે.
અહી નાયબ જિલ્લા વિકાસ અધિકારીની 2 જગ્યા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની 1, કાર્યપાલક ઇજનેર 1, નાયબ પશુપાલન નિયામક 1, પ્રોગ્રામ ઓફિસર આઇસીડીએસ 1, હિસાબી અધિકારી 1, જિલ્લા આંકડા અધિકારી 1, જિલ્લા ક્ષય અધિકારીની જગ્યા ખાલી છે.
આ ઉપરાંત વર્ગ-2મા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી 1, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી 6, વહિવટી અધિકારી 5, પશુ ચિકિત્સા અધિકારીની 26, નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઇની 4, બાળ વિકાસ યોજના અધિકારીની 7 જગ્યા વણપુરાયેલી છે. તેમજ વર્ગ-3મા જુનીયર કલાર્ક વહિવટીની 110 જગ્યા અને જુનીયર કલાર્ક હિસાબીની 49 જગ્યા તેમજ તલાટી મંત્રીની 234 જગ્યા ખાલી છે જેના કારણે અરજદારોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જગ્યા ખાલી હોવાને લીધે ખાસ કરીને અરજદારોને કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.