ભાસ્કર એનાલિસિસ:જિલ્લાના 615માંથી 372 ગામ ભાજપ સાથે

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી પંથકના શહેરી વિસ્તારો તો ભાજપ સાથે રહ્યાં પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ ભાજપનો સ્પષ્ટ દબદબો રહ્યો
  • 162 ગામમાં​​​​​​​ ભાજપ અને 77 ગામમાં આપને લીડ : ભાજપ સમર્થિત સરપંચોએ પાંચેય સીટ પર કેસરિયો લહેરાવ્યો

અમરેલી જિલ્લામા વિધાનસભાની ચુંટણીમા પાંચે-પાંચ સીટ પર ભારતીય જનતા પાર્ટીએ કબજો જમાવ્યો છે. જિલ્લાના શહેરી વિસ્તારો તો ભાજપની સાથે રહ્યાં જ છે. પરંતુ ગ્રામિણ વિસ્તારમા પણ ભાજપનો સ્પષ્ટ દબદબો જોવા મળ્યો હતો. અમરેલી જિલ્લાના 615 ગામમાથી 372 ગામ સ્પષ્ટરૂપે ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યાં હતા અને ભાજપના ઉમેદવારને લીડ અપાવી હતી.

ગ્રામિણ વિસ્તારના ભાજપ સમર્થિત સરપંચોએ અમરેલી જિલ્લામા કેસરીયો લહેરાવવામા મહત્વની ભુમિકા ભજવી હતી. અને એટલે જ જિલ્લાના મોટાભાગના ગામોમા ભારતીય જનતા પાર્ટીની અજેય લીડ નીકળી હતી. તેમાય અમરેલી તાલુકામા તો જાણે ગામે ગામ કેસરી માહોલ છવાયો હતો. આ સીટ નીચે આવતા 113 ગામમાથી 104 ગામમા ભારતીય જનતા પાર્ટીની લીડ નીકળી હતી.

કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી માટે સૌથી કપરી સ્થિતિ અહી જ જોવા મળી હતી. અને માત્ર ચાર ગામો એવા હતા જયાં કોંગ્રેસની લીડ નીકળી હતી. ખડખડ, મોટા ઉજળા, રાજસ્થળી અને સોનારીયા ગામમા કોંગ્રેસની લીડ હતી. વળી તેના કરતા વધારે એટલે કે પાંચ ગામમા તો આપની લીડ નીકળી હતી. માયાપાદર, જીથુડી, લુણીધાર, વેણીવદર અને નાના ભંડારીયા ગામમા આપની લીડ જોવા મળી હતી. આ સીટના બાકીના તમામ ગામ અને કુંકાવાવ, વડીયા તથા અમરેલી શહેરમા ભાજપની લીડ હતી.

આવી જ સ્થિતિ લાઠી સીટમા પણ જોવા મળી હતી. અહી 81 ગામડા એવા છે જેમા ભારતીય જનતા પાર્ટીને લીડ મળી છે. જયારે 13 ગામ એવા છે જયાં કોંગ્રેસની લીડ છે. અહી પણ કોંગ્રેસ કરતા આપને વધુ ગામમા લીડ મળી છે. આ સીટ પર આપને 15 ગામમા લીડ મળી હતી. સાવરકુંડલા સીટ પર 44 ગામમા ભાજપને લીડ મળી હતી. જયારે 73 ગામમા કોંગીને, ધારી સીટ પર 69 ગામમા ભાજપને લીડ મળી હતી. જયારે 57 ગામમા આપને અને 5 ગામમા કોંગ્રેસને લીડ મળી હતી. જયારે રાજુલા જાફરાબાદ વિસ્તારમા કસોકસની ફાઇટ થઇ હતી.

અહી ભાજપના હિરાભાઇ સોલંકીને 74 ગામમા લીડ મળી હતી. જયારે કેાંગ્રેસના અંબરીશભાઇ ડેરને 67 ગામમા લીડ મળી હતી. અહી આમ આદમી પાર્ટીના ઉમેદવારને એકપણ ગામમા લીડ મળી ન હતી. ગ્રામિણ વિસ્તારના સરપંચો અને તેની ટીમે એકંદરે ભાજપની સાથે રહ્યાં હતા. બગસરા તાલુકાઓના ગામડાઓને બાદ કરતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કોઇ નિર્ણાયક આવકાર મળ્યો ન હતો.

ત્રણ સીટ પર કોંગ્રેસ કરતા આપ સમર્થિત ગામડા વધુ
આ ચુંટણીમા કોંગ્રેસની એટલી માઠી દશા હતી કે ત્રણ સીટ એવી હતી કે જયાં ગામડામા કોંગ્રેસ કરતા આપને વધુ સમર્થન મળ્યું. ધારી સીટ પર આપને 57 ગામમા જયારે કોંગ્રેસને માત્ર 5 ગામમા લીડ મળી. અમરેલી સીટ પર આપને 5 ગામમા અને કોંગ્રેસને 4 ગામમા તથા લાઠી સીટ પર આપને 15 ગામમા અને કોંગ્રેસને માત્ર 13 ગામમા લીડ મળી હતી.

બે ગામમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંનેને સરખા મત
રાજુલા જાફરાબાદ સીટ પર બે ગામ એવા હતા જયાં ભાજપ અને કોંગ્રેસ એમ બંનેને સરખા મત મળ્યાં હતા. મોરંગી ગામમા હિરાભાઇ સોલંકી અને અંબરીશ ડેર એમ બંનેને 837 મત મળ્યાં હતા. જયારે ખાલસા કંથારીયા ગામમા પણ બંનેને એક સરખા 263 મત મળ્યાં હતા.

સાવરકુંડલામાં ઉલટી સ્થિતિ: ભાજપ કરતા કોંગીના ગામો વધુ
પાંચ પૈકી એકમાત્ર સાવરકુંડલા સીટ એવી છે જયાં ગામડામા કોંગ્રેસને વધુ સમર્થન મળ્યું છતા ઉમેદવારની હાર થઇ હતી. અહી આ સીટ પર 73 ગામમા કોંગ્રેસની લીડ નીકળી હતી. જયારે 44 ગામમા ભાજપની લીડ નીકળી હતી. અહી ભાજપની લીડવાળા ગામો મોટા હોય અને લીડ વધુ હોય તથા સાવરકુંડલા શહેરમાથી ભાજપની લીડ મોટી નીકળી હોય કસવાલાનો વિજય થયો હતો.

  • બે ગામમાં ભાજપ કોંગીને સરખા મત કોઇને લીડ નહી.
  • બે ગામમાં ભાજપ કોંગી કરતા અપક્ષ ઉમેદવારને વધુ મત.
અન્ય સમાચારો પણ છે...