SOGના દરોડા:સાવરકુંડલાના ભોકરવાની સીમમાં વાડીમાંથી 34 કિલો ગાંજો ઝડપાયો

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ હેરોઇન ઝડપાયા બાદ હવે ગાંજાના વેચાણનું નેટવર્ક ખુલ્યું; 3.50 લાખનો મુદ્દામાલ જપ્ત

સાવરકુંડલા તાલુકાના ભોકરવા ગામની સીમમા એક શખ્સ પોતાની વાડીમા ગાંજાનુ વેચાણ કરી રહ્યો હોવાની બાતમીના આધારે અમરેલી એસઓજીની ટીમે અહી દરોડો પાડી 40 વર્ષીય યુવાનને 34.880 કિલો ગાંજા સાથે ઝડપી લીધો હતો. અમરેલી જિલ્લામા ડ્રગ્સ અને અન્ય કેફી પદાર્થોની હેરાફેરી તથા વેચાણ મોટાપાયે સામે આવી રહ્યું છે.

તાજેતરમા એટીએસની ટીમે પીપાવાવ ખાતેથી વિદેશથી આયાત થયેલો હેરોઇનનો જંગી જથ્થો ઝડપી પાડયા બાદ હવે સાવરકુંડલા પંથકમા મોટાપાયે ગાંજો વેચવાનુ નેટવર્ક સામે આવ્યું છે. હાલમા રાજયભરમા નશીલા પદાર્થોની હેરાફેરી, વેચાણ સામે ખાસ ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે જિલ્લા પોલીસવડા હિમકર સિંઘને મળેલી બાતમીના આધારે અમરેલીની એસઓજીની ટીમે આ કાર્યવાહી કરી હતી.

પીએસઆઇ એસ.આર.શર્મા તથા તેની ટીમે સાવરકુંડલા તાલુકાના ભોકરવા ગામના કાના નાથુ સઇડા (ઉ.વ.40) નામના શખ્સની ગોરીટોપરા સીમ વિસ્તારમા આવેલી વાડીમા દરોડો પાડયો હતો. અહી આ શખ્સે પોતાની વાડીમા ગાંજાનો જથ્થો છુપાવી રાખ્યો હતો. પ્લાસ્ટિકના જુદાજુદા ચાર બાચકામા 34 કિલો અને 880 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

આ ઉપરાંત આ સ્થળેથી પોલીસને ગાંજો જોખવા માટેનો સાદો વજનકાંટો પણ મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 3,49,050નો મુદામાલ કબજે લીધો હતો. ગાંજાનો આ જથ્થો તેણે કયાંથી મેળવ્યો હતો અને કોને કોને વેચતો હતો તથા આ નેટવર્કમા અન્ય કોણ કોણ સંડોવાયેલુ છે. તે જાણવા પોલીસે આ શખ્સની પુછપરછ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...