તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂડિયાઓનું દંગલ:દીવથી નીકળેલા 31 પીધેલાઓએ 35 કિમીના માર્ગ પર મચાવ્યો ઉત્પાત, ઠેર-ઠેર લોકો અને પોલીસ પર દારૂની બોટલ ફેંકી

અમરેલી5 દિવસ પહેલા
  • પોલીસ જવાનોએ જીવના જોખમે રાજુલાના વીસળીયા પાસે તમામને ઝડપી પાડ્યા
  • બસને રોકવા પોલીસે ફાટક બંધ કરાવ્યું તો ખોલાવીને ભાગ્યા

અમરેલી પોલીસને ક્યારેય ખૂંખાર ગુનેગારોને પકડવામા તકલીફ નહીં પડી હોય તેવી તકલીફ ગતરાત્રિએ દીવમાં નશો કરવા ગયેલા લોકોને પકડવામા પડી હતી. દીવથી ભાવનગર જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસમાં નશો કરેલી હાલતમાં સવાર લોકોએ અમરેલી જિલ્લાના 35 કિમી વિસ્તારમાં આતંક મચાવતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. તો બીજી તરફ જાફરાબાદના નાગેશ્રીથી બસને આંતરવા માટે પોલીસે પ્રયાસો શરૂ કર્યા હતા. જે રાજુલા તાલુકાના વીસળીયા ગામ પાસે સફળ રહ્યા. બસમાં નશો કરી સવાર થયેલા 31 લોકોએ રસ્તામાં પથ્થરો અને બોટલોના ઘા કરતા ગ્રામ્ય વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. હાલ પોલીસે તમામને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નશાખોરો જે બસમાં સવાર હતા તે બસ
નશાખોરો જે બસમાં સવાર હતા તે બસ

જિલ્લામાં 35 કિલોમીટર સુધી આતંક મચાવ્યો
દીવથી ભાવનગર 31 મુસાફરો સાથે જઈ રહેલી આશાપુરા ટ્રાવેલ્સની બસમાં સવાર મુસાફરોએ અમરેલીના જાફરાબાદના નાગેશ્રી પાસે આવેલા ટોલનાકા પરથી આતંક મચાવવાની શરૂઆત કરી હતી. અહીં ટોલનાકાના કર્મચારીઓ સાથે બબાલ કરી ભાગતા નાગેશ્રી પોલીસ તેને પકડવા પાછળ પડી હતી. પરંતુ, બસમાં નશો કરી સવાર થયેલા મુસાફરો ઉભા રહેવાના બદલે ચાલુ બસે પથ્થરો અને બોટલો ફેકવાની શરૂઆત કરી હતી. જેમાં નિર્દોષ રાહદારીઓ ભોગ બન્યા હતા.

નશાખોરોએ રેલવે સ્ટાફ પર બોટલોના ઘા કર્યા
નાગેશ્રી પાસેથી બસ ભગાડતા નાગેશ્રી પોલીસે રાજુલા પોલીસને જાણ કરી હતી. રાજુલા પોલીસે હિંડોરણા ચોકડી પાસે સરકારી ગાડી વચ્ચે રાખી બસને રોકવાનો પ્રયાસ કર્યો પણ તેમાં સફળ થઈ નહીં. અહીંથી બસ આગળ ભગાડી મુકતા રાજુલા પોલીસે મહુવા રોડ પર આવેલું રેલવે ફાટક બંધ કરાવી દીધું. જો કે, અહીંથી પણ બસમાં સવાર નશાખોરોએ રેલવે સ્ટાફ પર બોટલોના ઘા કરી ફાટક ખોલાવી ભાગ્યા હતા.

આરોપીઓ સામે કાર્યવાહી બાદ અમરેલી એસપીએ ટ્વિટ કર્યું
આરોપીઓ સામે કાર્યવાહી બાદ અમરેલી એસપીએ ટ્વિટ કર્યું

સ્થાનિક પોલીસે LCB,SOGની મદદ લીધી
બસમાં સવાર નશાખોરોએ કાયદો વ્યવસ્થા હાથમાં લઈ પોલીસને રીતસરનો પડકાર ફેંકતા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એલસીબી અને એસઓજીને જાણ કરવામા આવી હતી. બસને આંતરવા માટે પોલીસ સ્ટાફની મદદે સ્થાનિક ગ્રામજનો પણ દોડી આવ્યા હતા. પોલીસે વિકટર નજીક એક વાહન વચ્ચે રાખી બસને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અહીં ચાલકે બસને ઠોકર મારી સાઈડમાંથી નીકળી ગયો હતો.

પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામા આવ્યો
પીપાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામા આવ્યો

રાજુલાના વિસળીયા ગામમાં બસના પૈડાં થંભી ગયા
જિલ્લામાં 35 કિમી સુધી આતંક મચાવ્યા બાદ બસ ચાલક આગળ વધી રહ્યો હતો. તો પાછળ પોલીસનો મોટો કાફલો હતો. આગળ પણ બસને રોકવા માટે વિસળીયા ગામ પાસે પોલીસ અને સ્થાનિક ગ્રામજનોએ રસ્તાની વચ્ચે વાહનો મુકી કોર્ડન કરી લીધો હતો. જેથી બસ ચાલક અહીંથી આગળ જઈ શક્યો ન હતો. પોલીસે બસને આંતરી તમામને ઝડપી પાડ્યા હતા. બસની તલાશી લેતા દારૂ અને બીયરનો જથ્થો પણ મળી આવ્યો હતો.પોલીસે આરોપીઓ સામે પીપાવાવ પોલીસ સ્ટેશન અને નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

કોની કોની ધરપકડ ?
પોલીસે ભાવનગરના આનંદનગરમા રહેતા બસના ડ્રાઇવર દીપેશ ભુપતભાઇ રાઠોડ, શ્રમજીવી સોસાયટીના પિયુષ શૈલેષભાઇ બારૈયા, આનંદનગરના તુષાર મનહર ડાભી, કરચલીયાપરાના રામ સાંગલુ ટેભાણી, આનંદનગરના ભરત લક્ષ્મણ સોલંકી, નરેશ રવજી વાઘેલા, રાજેશ રસીકભાઇ સોજીત્રા, રાહુલ ભરતભાઇ પરમાર, દેવાંગ રાજેશભાઇ મકવાણા, ગોપાલ કિશોરભાઇ વાઘેલા, ભાર્ગવ શંકરભાઇ રાઠોડ, મેહુલ અરવિંદભાઇ મકવાણા, સાગર રમેશભાઇ મકવાણા, વિજય વશરામભાઇ પરમાર, અજય કિશોરભાઇ વાઘેલા, કપીલ પોપટભાઇ વાજા, સતીષ પોપટભાઇ વાજા,કૌશિક સુરેશભાઇ ટેભાણી, પૃથ્વી રાજુભાઇ ચૌહાણ, મનીષ ભુપતભાઇ મેર, રાજેશ બાબુભાઇ જાદવ, અલ્કેશ અશોકભાઇ ચૌહાણ, કિરણ નરેશભાઇ ચારણીયા, સુરેશ વશરામભાઇ પરમાર, હિતેષ નવીનભાઇ વાજા, અજય મનસુખભાઇ ચુડાસમા, મયુર ભરતભાઇ પરમાર, ધર્મેશ નવીનભાઇ વાજા, પ્રવિણ જયંતીભાઇ વાઘેલા, ચિરાગ ગુણવંતભાઇ પટેલ અને કિશન કિરણભાઇ વાજા નામના શખ્સોની ધરપકડ કરી હતી.

દારૂની 9 બોટલ, 19 બિયરના ટીન કબજે
પોલીસે ભાવનગરના નરેશ રવજી વાઘેલા પાસેથી બિયરના 9 ટીન, પિયુષ શૈલેષ બારૈયા પાસેથી 6 ટીન, તુષાર મનહર ડાભી પાસેથી દારૂની 3 બોટલ, રામ સાંગલુ ટેભાણી પાસેથી બિયરના 4 ટીન અને ભરત લખમણ સોલંકી પાસેથી દારૂની 5 બોટલ કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...