જળ:300 ક્યુસેક પાણીથી 18 ગામને થશે ફાયદો

અમરેલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખોડિયાર ડેમમાંથી પિયત માટે પાણી છોડાયું

ખોડિયાર ડેમમાંથી અમરેલી તાલુકાના 18 ગામની 4500 હેકટર જમીનમાં ઉનાળુ વાવેતરને ખેડૂતો ઓરવણુ કરી શકે તે માટે  સિંચાઇ વિભાગે પાણી છોડતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા. તેમજ બગસરાના મુંજીયાસર ડેમમાંથી 5 ગામડાઓના 1200 હેકટર પાકને બચાવવા માટે પાણી છોડવાનું આયોજન થઈ રહ્યું છે. ઉનાળાના આખરમાં ડેમમાંથી પાણી મળતા જગતના તાતમાં ખુશી પ્રસરી હતી. 

અમરેલી પંથકના ખેડૂતો ચોમાસા પહેલા ઓરવણું કરી શકશે
જિલ્લામાં ગત વર્ષે મેઘરાજાએ મહેરબાની કરતા સારો વરસાદ નોંધાયો હતો. અહીં ચેકડેમ અને ડેમોમાં જળાશયનો જથ્થો હજુ ઉનાળાના આખર સુધી જોવા મળે છે. જિલ્લામાં ભૂતળમાં પણ પાણી હોવાથી આ વર્ષે 31336 હેકટરમાં ઉનાળુ વાવેતર નોંધાયું છે. પણ જિલ્લામાં  કેનાલો દ્વારા થતા પિયતને ઓરવણા માટે પાણી જરૂર ઉભી થઇ હતી. ત્યારે ધારી ખોડિયાર ડેમમાં ઉનાળાના આખરમાં પણ 750 એમસીએફટી પાણીનો જથ્થો હજુ પડ્યો છે. જેના પગલે ખેડૂતોની રજૂઆતના પગલે અમરેલી તાલુકાન 18 ગામનામાં 4500 હેકટરમાં પિયત માટે 300 ક્યુસેક પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ બગસરાના મુંજીયાસર ડેમમાં 11.5 ફુટ પાણીનો જથ્થો છે. અહીં પણ ખેડૂતોએ ઉનાળુ વાવેતરમાં ઓરવણુ કરવા પાણી છોડવા સિંચાઇ વિભાગ પાસે માંગ કરી છે. જેના કારણે મુંજીયાસર ડેમ દ્વારા જમણા કાંઠાની કેનાલમાં બગસરા, હામાપુર,સમઢીયાળા અને ડાબા કાંઠાની કેનાલમાં બગસરા, નટવરનગર, ડેરી પીપળીયા અને હડાળા ગામની 1200 હેકટર જમીનને પિયત માટે 70 એમસીએફટી પાણી છોડવાનું આયોજન કરી રહી છે. 

ક્યાં પાકને આખરમાં પાણીની તાતી જરૂરિયાત ?
અમરેલી તાલુકામાં મગફળી 316 અને  બાજરી 327 હેકટરમાં નોંધાઈ છે.  તેમજ બગસરામાં મગફળી 671 અને બાજરી 66 હેકટરમાં જોવા મળે છે. આ બંને પાકને પાક માટે ઉનાળાની આખરમાં પાણીની તાતી જરૂર પડે છે.

અમરેલી તાલુકાના ક્યાં ક્યાં ગામને ફાયદો ? 
તરવડા, વાંકીયા, સાજીયાવદર, કેરીયાચાડ, તરકતળાવ, પીઠવાજાળ અને દેવરાજીયા સહિતના 19 ગામોમાં ખોડિયાર ડેમનું પાણી પહોંચ્યું હતું. જેથી આ ગામના ખેડૂતોને ફાયદો થશે. 

મુંજીયાસર ડેમમાંથી ટુંક સમયમાં પાણી છોડાશે 
^બગસરા મુંજીયાસર ડેમના એન્જીનીયર હિરેન વાજાએ જણાવ્યું હતું કે, ખોડિયાર ડેમમાં 50 ટકા ઠરાવ થઈ ગયો હતો એટલે પાણી આપી દેવાયું અને મુંજીયાસર ડેમમાં ઠરાવ શરૂ છે ટુંક સમયમાં પાણી અપાશે. - હિરેન વાજા

અન્ય સમાચારો પણ છે...