સાવજ:અમરેલી પંથકમાં 24 કલાકમાં 3 સિંહના મોત

અમરેલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઇન્ફાઇટમાં મૃત્યુ પામેલ સિંહબાળને કેસરી સદન ખાતે લઇ જઇ ડીસીએફની હાજરીમાં પીએમ કરાયું
  • સિંહપ્રેમીઓમાં રોષ

ગીર પૂર્વના સાવજોની પાછલા કેટલાક સમયથી માઠી દશા બેઠી છે. અહિં સમયાંતરે સાવજોના મોતની ઘટના બનતી જ રહે છે. પરંતુ આજે એક જ દિવસમાં અમરેલી પંથકમાં એક સાથે ત્રણ-ત્રણ સાવજના મોત થતા સિંહપ્રેમીઓ ચોંકી ઉઠ્યા છે. એક સિંહબાળને પીપળવા રેન્જમાં સાવજે મારી નાખ્યુ હતું જ્યારે રાજુલાના કોવાયા અને કુંડલાના અભરામપરા નજીક બે સિંહ-સિંહણના મોત કઇ રીતે થયા તે વનતંત્ર પણ સ્પષ્ટ કરી શક્યુ ન હતું. 

ખાંભા તાલુકાના પીપળવા નજીક એક વર્ષના બચ્ચાને સિંહે મારી નાખ્યું 
સિંહબાળના મોતની ઘટના તુલશીશ્યામ રેન્જના ખાંભા તાલુકામાં પીપળવા રાઉન્ડ અને બીટમાં દાણકીવાળા વિસ્તારમાં બની હતી. અહિં આશરે એક વર્ષની ઉંમરના સિંહબાળનો મૃતદેહ વનતંત્રને મળી આવ્યો હતો. આ સિંહબાળને અન્ય સાવજે ઇનફાઇટમાં મારી નાખ્યુ હતું. સિંહબાળના મૃતદેહ પર ઉંડે સુધી દાતની ઇજાના નિશાન મળ્યા હતાં. આ ઉપરાંત તેની કરોડરજ્જુ પણ ભાંગી ગઇ હતી. બચ્ચાને મારી નાખનાર સિંહ આસપાસમાં જ આટા મારતો નજરે પડયો હતો. આ સિંહબાળના મૃતદેહને પીએમ માટે કેશરી સદન ખાતે લઇ જવાયો હતો. જ્યાં ડીસીએફની હાજરીમાં પીએમ કરાયુ હતું. 

કોવાયા અને અભરામપરા નજીક સિંહ-સિંહણના મોતનું કારણ અકબંધ
અન્ય એક ઘટના સાવરકુંડલાના મીતીયાળા અભ્યારણ્ય નજીક બની હતી. અહિં અભરામપરા ગામની સીમમાં રેવન્યુ વિસ્તારમાંથી આશરે બે થી ત્રણ વર્ષની ઉંમરની એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. લાંબા સમય સુધી વનતંત્રનું ધ્યાન પડયુ ન હોય સિંહણનો આ મૃતદેહ કોહવાઇ ગયેલી હાલતમાં મળ્યો હતો. આ સિંહણનું મોત કઇ રીતે થયુ તેનો જવાબ વનતંત્ર પાસે પણ ન હતો.આવી જ રીતે રાજુલા તાલુકાના કોવાયા નજીકથી તાજેતરમાં એક સિંહને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને તેને સારવાર માટે બાબરકોટ એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સિંહનું મોત થયુ હતું. આ સિંહના મોતનું કારણ પણ સ્પષ્ટ થઇ શક્યુ ન હતું. તાજેતરમાં ખાંભા પંથકના સાવજોમાં બેબેસીયા ગામનો રોગચાળો ફેલાયો હતો. જેના કારણે છ થી વધુ સાવજોના મોત થયા હતાં. આ ગંભીર રોગચાળાનો ખતરો હજુ પણ સાવજો પર તોળાઇ રહ્યો છે.

તુલસીશ્યામ, કુંડલા રેન્જમાંથી 4 સિંહને રેસ્ક્યુ કરાયા
સાવજોમાં રોગચાળાની ભીતી ખુદ વન વિભાગના કર્મચારીઓ અંદરખાને વ્યક્ત કરી રહ્યા છે. સાવરકુંડલા અને ખાંભાની તુલશીશ્યામ રેન્જમાંથી ચાર સાવજોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને એનીમલ કેર સેન્ટરમાં ખસેડાયા છે. આ ઉપરાંત અહિં વધુ ચાર સાવજોને પકડવા પણ તજવીજ હાથ ધરાઇ છે. 

સાડા ત્રણ માસમાં 29 સિંહના મોત
ગીર પૂર્વમાં સાવજોના મોતની ઘટનાઓ સતત બની રહી છે. અહિં સાવજોમાં બેબેસીયા નામનો રોગચાળો ફેલાતા કેટલાક સાવજોના મોત થયા હતાં. આ રોગચાળો હજુ પણ અહિંના સાવજો પર ઝળુંબી રહ્યો છે. પાછલા સાડા ત્રણ માસના સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં 29 સાવજોના મોત થઇ ચુક્યા છે.

અન્ય સમાચારો પણ છે...