તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • 270 Farmers Deprived Of Killing Aid For Two Years, Palitana Shetrunji Division Of Forest Department Set Up By The Government But Its Administration Has Deteriorated.

સહાયથી વંચિત:270 ખેડૂતો બે વર્ષથી મારણની સહાયથી વંચિત, સરકાર દ્વારા મોટા ઉપાડે વન વિભાગનું પાલીતાણા શેત્રુંજી ડિવીઝન ઉભું કરી દેવાયું પરંતુ તેનો વહિવટ હાલમાં કથળીને ખાડે ગયો

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોક્યુમેન્ટ અને વિમો ન હોવાથી કચેરીના વાહનો ધુળ ખાય છે : રેન્જ અધિકારીઓ ટેન્ડર ઉપર આવતી ખાનગી ગાડીનો ઉપયોગ કરી રહ્યા છે

સરકાર દ્વારા મોટા ઉપાડે વન વિભાગનું પાલીતાણા શેત્રુંજી ડીવીજન ઉભું કરી દેવાયું પરંતુ તેનો વહીવટ હાલમાં કથળીને ખાડે ગયો છે. જેથી ડીવીજન નીચે આવતી તમામ રેન્જના લોકોને અતિ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એકલા રાજુલા જાફરાબાદ તાલુકામાં બે વર્ષથી 270થી વધુ ખેડૂતોને પશુના મારણનું વળતર ચૂકવી શકાયું નથી.અમરેલી જિલ્લામાં અને ખાસ કરીને રાજુલા જાફરાબાદ પંથકમાં રેવન્યુ વિસ્તારમાં સિંહ દીપડાની સંખ્યા ખૂબ જ વધી છે. આ વન્ય પ્રાણીઓ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના પાલતુ પશુના શિકાર કરતા રહે છે તેનું વળતર વન વિભાગ દ્વારા ચુકવવામાં આવે છે.

પરંતુ ડિવિઝનનો વહીવટ કથળેલો છે. રાજુલા જાફરાબાદ પંથકમાં મારણનું હજુ સુધી કોઈને વળતર મળ્યું નથી. છેલ્લા 2 વર્ષથી વનવિભાગ મારણના માત્ર ફોટા પાડી લે છે.ખેડૂતોને તેનું વળતર મળતું નથી. જેથી સરકાર અને વનિભગ સામે નારાજગી જોવા મળી રહી છે. આવતા દિવસોમાં ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકઠા થઇને વનવિભાગ સામે મોરચો માંડે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે.રાજુલા રેન્જમાં 200 કરતા વધુ ખેડૂતોના પશુના મારણ થયા છે. સાથે જાફરાબાદમાં 70 ઉપરાંત મારણ થયા છે.

આમ બન્ને રેન્જમાં 270 કરતા વધુ ગાય ભેંશ બકરી જેવા પશુના સિંહ - દીપડા જેવા વન્યપ્રાણી દ્વારા મરણ થયા છે. પરંતુ ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને હજુ સુધી આ વળતરની રકમ મળી નથી. આ વિસ્તાર ના અગ્રણીઓ - ખેડૂતો દ્વારા પણ વનમંત્રી - મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરાઇ છે.નવું શેત્રુંજી ડિવિઝન તો બન્યું પરંતુ વહીવટ હાલમાં ખાડે ગયો છે. સરકાર તરફથી રાજુલા રેન્જને રેસ્ક્યુ વાન લાખોના ખર્ચે આપી તો દીધી પરંતુ ડોક્યુમેન્ટ અને વીમો ન હોવાને કારણે આ નવી સરકારી ગાડી 6 માસથી ધૂળ ખાય રહી છે. રાજુલા રેન્જના અધિકારીઓ ટેન્ડર ઉપર આવતી ખાનગી ગાડીનો ઉપયોગ કરી રહ્યા છે.

સરકારે ખેડૂતોને મેડા આપવા માટેની જાહેરાતો કર્યા પછી કેટલાક વિસ્તારમાં આવા મેડા અપાયા છે. તો કેટલીક જગ્યાએ ખેડૂતોને માત્ર ધક્કા ખવડાવી રહ્યા છે. અહીં મોટાભાગના ખેડૂતોએ વાડીમાં મેડા આપવાની માંગણી કરી છે. રાજુલા રેન્જનો રેલવે ટ્રેક પણ રામ ભરોસે ચાલી રહ્યો છે. અહીં આરએફઓ પેટ્રોલિંગ અને વિઝીટ પણ ભાગ્યે જ કરે છે. જેથી અહીં રેલવે ટ્રેક પર મોટાભાગે ફોરેસ્ટ ગાર્ડ ટ્રેકટરોની ગેર હાજરી જોવા મળે છે. એકંદરે નવું ડિવિઝન બન્યા બાદ વનતંત્રનો વહીવટ કથળ્યો છે.

પ્રોસેસ શરૂ છે ટૂંક સમયમાં મળી જશે : ડી.સી.એફ
શેત્રુંજી ડીવીજન ના dcf નિશા રાજે જણાવ્યું હતું કે નવા ડીવીજનના કારણે ચેક બુક ન હતી. કાલે ચેક બુક આવી. હવે અમે વળતર આપવા માટે સક્ષમ થયા છીએ. 3 દિવસમાં ચેક કાઢીશું. ટૂંક સમયમાં પ્રોસેસ પૂર્ણ કરી વળતર આપીશું.

મેં વનમંત્રી સુઘી રજુઆત કરી છે : ગુણવંતભાઈ
રાજુલા તાલુકા પંચાયત સદસ્ય ગુણવત્તભાઈ વિંઝુડાએ જણાવ્યું હતું કે ખેડૂતોના વળતર મળે તે માટે અધિકારીઓ, વનમંત્રી અને મુખ્ય મંત્રીને પત્ર લખી રજુઆત કરાઇ છે. વહેલી તકે વળતર આપવા માટે માંગણી કરી છે.

અમારા ગામમાં કોઈને વળતર મળ્યું નથી -ખેડૂત
માંડરડી ખેડૂત અગ્રણી રમેશભાઈ વસોયાએ જણાવ્યું કે અમારા ગામમાં કોઈ ખેડૂતને પશુના મારણની રકમ હજુ મળી નથી. દુધાળા પશુ કિંમતી હોય છે. વનવિભાગ સામાન્ય રકમ આપી દે છે.

1 વર્ષ પહેલાના મારણની રકમ મળી નથી : પશુપાલક
નાગેશ્રી ગામના રાજાભાઈ ભરવાડ નામના પશુપાલકે જણાવ્યું હતું કે બકરી વાછડીનું મારણ 1 વર્ષ પહેલા સિંહોએ કર્યુ છે. હજુ સુધી અમને વનવિભાગ તરફથી કોઈ વળતર મળ્યું નથી. માત્ર ફોટા પાડી જાય છે.કોઈ વળતર આપતું નથી. શું કરવું ?

ક્યાં ક્યાં પશુ ના કેટલી રકમ આપે છે ?
ખેડૂતો અથવા માલિકીના પશુનો વન્યપ્રાણી શિકાર કરે તો ગાયના 10 હજાર સુધી, બકરાના 3 હજાર સુધી, આખલાના 3 થી 6 હજારનું વળતર અપાય છે.

અન્ય સમાચારો પણ છે...