સાવધાન અમરેલી:48 કલાકમાં કોરોનાના 26 કેસ

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકલા બગસરામાં જ 12 પોઝિટીવ દર્દી સામે આવ્યા : અમરેલીમાં 6, ધારીમાં 4, જાફરાબાદમાં 3 અને રાજુલામાં 1 કેસ

એકાદ વર્ષના લાંબા સમયગાળા બાદ અમરેલી જિલ્લામા ફરી કોરોનાનો ફુંફાડો શરૂ થયો છે. અને છેલ્લા 48 કલાકમા અમરેલી જિલ્લામા 26 કેસ સામે આવ્યા છે. સૌથી વધુ પોઝીટીવ કેસ અમરેલી અને બગસરા શહેરમાથી સામે આવી રહ્યાં છે. જેને પગલે તંત્ર દ્વારા સર્વેના સઘન પગલા શરૂ કરાયા છે.

સમગ્ર અમરેલી જિલ્લામા કોરોનાનો પગપેસારો વધુને વધુ મજબુત બની રહ્યો છે. ચાલુ માસે જ કોરોનાની જાણે નવી લહેર શરૂ થતી હોય તેમ છુટાછવાયા કેસો સામે આવવા લાગ્યા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી તો કોરોનાએ માથુ ઉંચકયુ છે અને હવે જિલ્લામા મોટી સંખ્યામા પોઝીટીવ દર્દી બહાર આવી રહ્યાં છે. છેલ્લા 48 કલાકમા જિલ્લામા 26 કેસ નોંધાયા છે.

અમરેલી જિલ્લામા બુધવારે કોરોનાના 19 કેસ નોંધાયા હતા. જેમા અમરેલી શહેરમા 6, બગસરામા 5, ધારીમા 4, જાફરાબાદમા 3 અને રાજુલામા 1 કેસ સામે આવ્યો હતો. જયારે આજે વધુ 7 દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. જે તમામ સાતેય કેસ બગસરામાથી સામે આવ્યા હતા. આમ બગસરા વિસ્તાર હાલમા કોરોનાનુ જાણે હોટસ્પોટ બન્યો છે. કારણ કે અગાઉ પણ બગસરા વિસ્તારમાથી પોઝીટીવ કેસ આવ્યા હતા અને છેલ્લા બે દિવસમા જિલ્લામા સૌથી વધુ 12 કેસ એકલા બગસરામાથી જ સામે આવ્યા છે.

આરોગ્ય તંત્ર દ્વારા પોઝીટીવ આવેલા દર્દીઓના સંપર્કમા આવેલા લોકોનુ પણ ટેસ્ટીંગ કરવામા આવી રહ્યું છે અને લોકોને કોરોના ગાઇડ લાઇનનુ ચુસ્તપણે પાલન કરવા અપીલ કરાઇ છે. કોરોનાના દર્દીઓમા અચાનક મોટો ઉછાળો આવે તો જિલ્લામા પુરતા બેડ ઉપલબ્ધ હોવાનો તંત્રનો દાવો છે.

અમરેલી સિવીલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ શરૂ કરાયો
બીજી તરફ અમરેલી સિવીલમા કોરોના વોર્ડનો આરંભ કરી દેવામા આવ્યો છે. અહી બે દિવસથી એક દર્દીને દાખલ પણ કરવામા આવ્યો હતો જેને આજે રજા અપાઇ હતી. અને વેન્ટીલેટરની સુવિધા પણ ઉપલબ્ધ રખાઇ છે. હાલમા 30 દર્દી માટે વોર્ડ શરૂ કરાયો છે. આ ઉપરાંત શંકાસ્પદ દર્દી માટે 20 બેડનો એક વોર્ડ પણ અલગ રખાયો છે.હાલમા સિવીલમા જરૂર પડયે 120 બેડ પણ ઉપલબ્ધ કરાશે. તસવીર- જયેશ લીંબાણી

અમરેલીના દરેક વિસ્તારમાંથી પોઝિટીવ દર્દી સામે આવે છે
અમરેલી શહેરમા કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. જો કે આ દર્દીઓ શહેરના કોઇ ચૌક્કસ વિસ્તારને બદલે જુદાજુદા વિસ્તારમાથી સામે આવી રહ્યાં છે.

વૃદ્ધાશ્રમમાં 4 દર્દી સામે આવ્યા
દરમિયાન ચાલુ સિઝનમા અમરેલીમા આવેલા વૃધ્ધાશ્રમ દીકરાના ઘરમા પણ ચાર દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જો કે આ તમામ દર્દી સાજા થઇ ગયા છે. અને હાલમા અહી એકેય પોઝીટીવ કેસ નથી.