અમરેલી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક માસ દરમિયાન 100 જેટલા દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા બાદ 25 દર્દીને આંખમાં સોજા અને ઇન્ફેક્શનની ફરિયાદ ઊઠી હતી અને આ દર્દીઓએ આંખની રોશની ગુમાવતા હોસ્પિટલની બેદરકારી ખૂલીને સામે આવી છે. અહીં ઓપરેશન થિયેટરમાં અનક્વોલિફાઇડ સ્ટાફની મદદ લેવાઇ રહી હોવાનું સામે આવ્યું છે.
કાયમ ચારથી પાંચ મોતિયાના ઓપરેશન
આ ઘટના અમરેલીમા શાંતાબા ગજેરા સિવિલ હોસ્પિટલ ખાતે બની હતી. જ્યાં અઠવાડિયામાં નિશ્ચિત કરેલા દિવસોએ કાયમ ચારથી પાંચ મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે. પાછલા એક માસ દરમિયાન અહીં આ પ્રકારના 100 જેટલા ઓપરેશન કરાયા હતા. પખવાડિયા પહેલા કેટલાક દર્દીઓ ઓપરેશન બાદ આંખમાં સોજાની ફરિયાદ સાથે સિવિલમાં આવ્યા હતા.
25 જેટલા દર્દીએ આંખની રોશની ગુમાવી
એક પછી એક આવા 10 દર્દીને અમદાવાદ, રાજકોટ અને ભાવનગરની હોસ્પિટલમા રીફર કરી દેવાયા હતા. જ્યારે ત્રણ દર્દીને અમરેલીમાં જ સારવાર આપી ઘરે મોકલી દેવાયા હતા. આ ઉપરાંત કેટલાક દર્દી સીધા જ રાજ્યની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. અમરેલી સિવિલમાં મોતિયાનું ઓપરેશન કરાવનાર 25 જેટલા દર્દીએ આંખની રોશની ગુમાવી દીધી છે. આ દર્દીઓની હાલમાં જુદી જુદી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ તમામ દર્દીઓના 20થી 25 દિવસ પહેલા ઓપરેશન કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં આંખના નિષ્ણાત ડોક્ટર છે.
હોસ્પિટલ સત્તાવાળાઓએ દોષનો ટોપલો દર્દીઓ પર જ ઢોળવા પ્રયાસ કર્યો
ઉપરાંત અહીં ફેકો મશીન જેવા આધુનિક મશીન પણ છે, પરંતુ ઓપરેશન થિયેટરમાં અનક્વોલિફાઇડ સ્ટાફ મદદમાં રહેતો હોવાનું કહેવાય છે. હોસ્પિટલ સત્તાવાળાઓએ દોષનો ટોપલો દર્દીઓ પર જ ઢોળવા પ્રયાસ કર્યો હતો. અને સુપરિન્ટેન્ડન્ટ ડો.આર.એમ. જીતિયાએ એવું જણાવ્યું હતું કે, કેટલાક દર્દીઓ સમયસર ફોલોઅપ માટે આવ્યા ન હતા અને આંખની કાળજી લીધી ન હતી.એટલે આવું થયું હતું. એકસાથે 25 લોકો આંખની રોશની ગુમાવે તેવી ગંભીર ઘટનામાં સિવિલ સત્તાવાળાઓએ જવાબદારી નક્કી કરવાને બદલે દર્દી પર ઠીકરું ફોડ્યું હતું. જોકે ઘટનાની જાણ થતા સિટી પીઆઇ સ્ટાફ સાથે અહીં તપાસ માટે દોડી આવ્યા હતા.
અમે દર્દીને રીફર કરી દીધા હતા: સુપરિન્ટેન્ડન્ટ
અમરેલી સિવિલના સુપરિન્ટેન્ડન્ટ ડો.આર.એમ. જીતિયાએ જણાવ્યું હતું કે, અમારી પાસે હજુ સુધી કોઇની આંખની રોશની ગયાની ફરિયાદ આવી નથી. એક પખવાડિયા દરમિયાન આંખમાં સોજાની ફરિયાદ સાથે 15 દર્દી આવ્યા હતા. જેમાંથી 13ને જુદી જુદી હોસ્પિટલમાં રીફર કરાયા છે. જ્યારે ત્રણ દર્દીને અહીં જ સારવાર અપાઇ હતી. કેટલાક દર્દીઓએ ઓપરેશન પછી જે કાળજી લેવી જોઇએ તે લીધી ન હતી.
આંખમાં રસી થઇ ગયા: અશરફભાઇ
લીલિયામાં એસટી ડ્રાઇવર તરીકે નોકરી કરતા અશરફભાઇના માતા રોશનબેન બેલીમે એક માસ પહેલા ઓપરેશન કરાવ્યું હતું. અશરફભાઇએ જણાવ્યું હતું કે, ઓપરેશનના બે દિવસમાં જ આંખમાં રસી થઇ ગયા હતા. અને છેક અમદાવાદ સુધી સારવાર કરાવી છતાં આંખની દૃષ્ટિ ચાલી ગઇ હતી.
ફરિયાદ કરી તો કહયું, અમારો વાંક નથી
ખાંભાના અનિડા ગામના મહેશભાઇ દાફડાના માતા શારદાબેનનું સિવિલમાં ઓપરેશન થયું હતું. તેમણે જણાવ્યું હતું કે, બે દિવસમા આંખમાં પણ ઇન્ફેક્શન લાગ્યું હતું. આ અંગે સિવિલના સંચાલકો અને તબીબોને તેમણે રજૂઆત કરી ત્યારે એવો જવાબ મળ્યો હતો કે, અમારો વાંક નથી.
લીલિયાના ત્રણ દર્દી ભોગ બન્યા
આ ઘટનામાં લીલિયા શહેરના જ ત્રણ દર્દી ભોગ બન્યાં હતા. જે 25 દર્દી સિવિલની બેદરકારીનો ભોગ બન્યા તેમા રવજીભાઇ ચોવટિયા, નનુભાઇ જાપડા, ગીલાભાઇ ભૂવા, લાભુબેન ધાનાણી, લાભુબેન ધોળકિયા, રવજીભાઇ રોકડ, નિલુબેન, રોશનબેન બેલીમ, શારદાબેન, ગિરિયાના સોમાભાઇ ગોહિલ, અમરેલીના આસુબેન વગેરેનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.