ટપાલથી મતદાન:ટપાલથી મતદાન માટે 1930 કર્મીની નોંધણી

અમરેલી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે ટપાલથી મતદાન માટેનો અંતિમ દિવસ લેઉવા પટેલ સંકુલ ખાતે સાંજના 6:30 સુધી ચાલુ રખાશે મતદાન

અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા સીટ માટે પહેલી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનુ છે. પરંતુ તે પુર્વે ચુંટણી ફરજમા રોકાનારા કર્મચારીઓ માટે ટપાલથી મતદાનની પ્રક્રિયાનો આરંભ થઇ ચુકયો છે. અને અમરેલી સીટ માટે 1930 અધિકારી અને કર્મચારીએ મતદાન માટે નોંધણી કરાવી છે. આવતીકાલે લેઉવા પટેલ સંકુલ ખાતે આ મતદાનનો છેલ્લો દિવસ છે.

અમરેલી જિલ્લામા વિધાનસભાની ચુંટણી દરમિયાન રાજય સરકારની વિવિધ કચેરીઓના સાત હજારથી વધુ કર્મચારીઓને ફરજ સોંપવામા આવી છે. હાલમા તો આ કર્મચારીઓ જુદીજુદી કામગીરી કરી જ રહ્યાં છે. પહેલી ડિસેમ્બરના રોજ આ કર્મચારીઓને જુદાજુદા બુથ પર મતદાનની ડયુટી સોંપવામા આવશે. સ્વાભાવિક છે કે આ ડયુટી પોતાના મતાધિકાર ક્ષેત્રથી દુર હશે અને અેટલે જ વહીવટી તંત્ર દ્વારા ચુંટણી ફરજમા રોકાનારા કર્મચારીઓ માટે અગાઉથી જ ટપાલ દ્વારા મતદાનની વ્યવસ્થા કરવામા આવી છે.

જે અંતર્ગત અમરેલીના લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે તારીખ 20 અને 21 એમ બે દિવસથી ટપાલ દ્વારા મતદાન કરાવાઇ રહ્યું છે. આવતીકાલે ચુંટણી ફરજના કર્મચારીઓના મતદાનનો છેલ્લો દિવસ છે. અહી અત્યાર સુધીમા ટપાલથી મતદાન માટે 1930 અધિકારીઓ અને કર્મચારીઓએ નોંધણી કરાવી છે. આવતીકાલે તમામ કર્મયોગીઓ અહીના લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે ટપાલથી મતદાન કરી શકશે. આ મતદાન માટે સવારના 9 થી સાંજના 6:30 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામા આવ્યો છે. ચુંટણી ફરજના કર્મચારીઓ માટે 22મીએ મતદાનનો છેલ્લો દિવસ છે.

આ માટે ફેસીલીટેશન સેન્ટરના ઇન્ચાર્જની પણ નિમણુંક કરવામા આવી છે. અમરેલીના પ્રાંત અધિકારી દેસાઇએ જણાવ્યું હતુ કે મતદાનમા બાકી હોય તેવા અગાઉથી નોંધાયેલા મતદારો અંતિમ દિવસે મતદાન કરી શકશે. ઉલ્લેખનીય છે કે મતદાન સમયે ફરજ બજાવનારા અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસકર્મી, હોમગાર્ડસ, ચુંટણી માટે સંપાદિત થયેલા વાહનોનો ડ્રાઇવર, કંડકટર, કલીનર, હેલ્પર વિગેરેને આ મતદાનમા સાંકળી લેવાયા છે.

ખાંભા તાલુકાના મતદાન મથકો ખાતે ચુનાવ પાઠશાળા યોજાઇ
ધારી તથા રાજુલા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ખાંભા તાલુકાના મતદાન મથકો ખાતે ચુનાવ પાઠશાળાની બીજી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મતદારો દ્વારા મતદાનની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને વધુમાં વધુ મતદાન થાય તે બાબતે મતદાન જાગૃત્તિ કરવામાં આવી હતી.

જિલ્લામાં 30 ચેકપોસ્ટ પર વાહનોનંુ સઘન ચેકીંગ
વિધાનસભાની ચુંટણીને પગલે અમરેલી જિલ્લામા ખાસ 30 ચેકપોસ્ટ ઉભી કરવામા આવી છે. જયાં ચુંટણી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ચેકપોસ્ટ પરથી પસાર થનારા વાહનોનુ સઘન ચેકીંગ કરવામા આવી રહ્યું છે. રોકડની હેરફેર પણ નજર રખાઇ રહી છે. જો કે જિલ્લામાથી હજુ સુધી મોટી રકમ ઝડપાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...