ચૂંટણી તંત્રનુ વિચિત્ર વલણ:5 નેસના 190 મતદારોને મતદાન માટે આવવું પડશે જંગલ બહાર

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાણેજમાં માત્ર એક મત માટે બુથ તૈયાર કરનાર ચૂંટણી તંત્ર નેસના લોકોને 3થી લઇ 8 કિમીનો ધક્કો ખવડાવશે
  • રેબડીપાટ, પાડાગાળા, રાવણાપાટ, શિરનેસ અને લીલાપાણી નેસનાં લોકોનું મતદાન નજીકના ગામમાં

ચુંટણી તંત્ર શિયાળબેટ જેવા ટાપુ પર સ્ટાફ પહોંચાડીને મતદાન કરાવે છે. કે બાણેજ જેવા મધ્ય ગીરમા માત્ર એક મતદાર માટે બુથ ઉભુ કરી શકે છે. પરંતુ અમરેલી જિલ્લાની બોર્ડર પર ગીર જંગલની અંદરના નેસડાઓમા વસતા લોકો માટે જંગલમા બુથ તૈયાર કરાતા નથી. નેસમા વસતા લોકોને મતદાન કરવા માટે જંગલમાથી બહાર નીકળી નજીકના ગામોમા મતદાન માટે જવુ પડે છે. જંગલમા વસતા લોકોને મતદાન કરાવવા માટે વર્ષોથી ચુંટણી તંત્રનુ વિચિત્ર વલણ સ્પષ્ટ નજરે પડે છે. જંગલમા કેટલાક નેસ એવા છે જયાં બુથ ઉભા કરાય છે.

રેબડીપાટ નેસમા 40થી વધુ લોકોનો વસવાટ
બાણેજમા તો માત્ર એક મતદાર માટે બુથ ઉભુ કરાતુ હતુ પરંતુ ધારી અને ખાંભા તાલુકાને અડીને આવેલા જંગલની અંદર નેસમા વસતા માલધારીઓ માટે તંત્ર દ્વારા કોઇ બુથ ઉભુ કરવામા આવતુ નથી. આ નેસમા પશુપાલકો વસે છે. જંગલમા તેમનો માત્ર આ એક જ વ્યવસાય છે. મોટાભાગના પશુપાલકો અશિક્ષિત છે. જેથી તંત્ર પણ તેમની સુવિધાએા માટે કોઇ ધ્યાન આપતુ નથી. આવુ જ ચુંટણીની બાબતમા પણ જોવા મળી રહ્યું છે. ખાંભા નજીકના જંગલમા રેબડીપાટ નેસમા 40થી વધુ લોકોનો વસવાટ છે.

મતદારો આઠ કિમી દુર પાણીયા ગામે મત દેવા આવે
જો કે આ નેસના ગામના લોકોના નામ જંગલ બહાર ત્રણ કિમી દુર આવેલા ભાણીયા ગામની મતદાર યાદીમા બોલી રહ્યાં છે જેથી તેમને મતદાન કરવા ભાણીયા આવવુ પડે છે. આવી જ રીતે પાડાગાળામા 20થી વધુ મતદાર છે જે બોરાળા ગામે મત દેવા આવે છે. રાવણાપાટના 15થી વધુ મતદારો ભાણીયા ગામે વોટ દેવા આવે છે. જયારે શીરનેસના 50 મતદારો પીપળવા ગામે મત દેવા આવે છે. લીલાપાણી નેસના 60થી વધુ મતદારો આઠ કિમી દુર પાણીયા ગામે મત દેવા આવે છે.

ધારી બગસરા સીટ માટે મતદાન કરવાનુ
જંગલના આ પાંચ નેસના મતદારોને ધારી બગસરા સીટ માટે મતદાન કરવાનુ હોય છે. આ ઉપરાંત કેટલાક નેસ એવા છે જેના મતદારો ઉના સીટ માટે મતદાન કરે છે. અને આ નેસના મતદારોને ઉના તરફની બોર્ડરના નજીકના ગામે મત આપવા જવુ પડે છે. અહી કેટલાક સેટલમેન્ટના ગામો પણ છે. જયાં પાકા રોડ, સ્કુલ જેવી સુવિધાઓ પણ છે અને સેટલમેન્ટના આ ગામોમા બુથ પર ઉભા કરાય છે. જંગલની અંદર આવેલુ સોઢાપરા ગામ એવુ છે જયાં બુથ ઉભુ કરાશે.

પહેલા પુરૂષો મત આપી આવે પછી મહિલાઓનો વારો
અહીના લોકોને ચુંટણી કયારે હોય છે તેની મોટાભાગનાને ખબર પણ હોતી નથી. મતદાનના દિવસે મોટાભાગે ઉમેદવારો વાહન મોકલતા હોય છે. વાહનના પહેલા ફેરામા પુરૂષ મતદારો વોટ આપવા જાય છે અને બીજા ફેરામા મહિલા મતદારો મત આપવા જતા હોવાનુ જોઇ શકાય છે.

હડાળા નેસમાં ઉભું કરાય છે બુથ
મધ્યગીરમા આવેલો હડાળા નેસ જંગલખાતાની ચોકી પણ ધરાવે છે. અહી વનવિભાગના સરકારી કવાર્ટરો પણ આવેલા છે. ચુંટણી તંત્ર દ્વારા હડાળા નેસમા આ કવાર્ટરમા બુથ ઉભુ કરવામા આવે છે. જયારે કેટલાક નેસના મતદારો તુલસીશ્યામ ખાતેના બુથ પર મત આપવા જાય છે.

13 નેસના લોકોનું મતદાન ગીર સોમનાથમાં
ગીરપુર્વમા પુર્વના જંગલમા 13 નેસ એવા છે કે જયાંના મતદારો ગીર સોમનાથ જિલ્લાની સીટો માટે મતદાન કરે છે. બેરીયાનેસ, મીંઢા નેસ, ખજુરી નેસ, માંડવી નેસ, કણેક નેસ, સરાકડીયા નેસ, લોકી નેસ, રાજસ્થળી નેસ, છાપરા નેસ, ઘુડજીંજવા નેસ, આસુંદ્રાળી નેસ, દોઢી નેસ અને હડાળા નેસનો તેમા સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...