રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી ખાતે ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંવાદ કર્યો હતો. અહી ખેડુત તાલીમ કેન્દ્ર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ અને તેના મહત્વ વિશે કૃષિકારોને માર્ગદર્શન આપ્યું હતું. ચાલુ વર્ષે જિલ્લામા 19 હજાર એકરમા પ્રાકૃતિક ખેતી થવાની તંત્રએ ધારણા વ્યકત કરી છે.
સમગ્ર ભારતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થયા છે. પ્રાકૃતિક કૃષિ માટેનું અભિયાન ગુજરાતમાં પણ અવિરતપણે શરુ છે એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે ગુજરાત સહિત સમગ્ર ભારતમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન શરુ થયું છે ત્યારે ગુજરાત રાજય ભારત દેશનું નેતૃત્વ કરે. ઝેરમુક્ત ખેતી કરવાનો આ સમય છે. પ્રાકૃતિક ખેતીને અનુસરવા રોડ મેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
પ્રાકૃતિક કૃષિ એ ગાય આધારિત કૃષિ છે. જેમાં ભારતીય ઓલાદની દેશી ગાયના ગૌમૂત્ર, ગોબર ધન થકી જીવામૃત, ઘનામૃત તૈયાર કરીને તેનો ઉપયોગ કરીને ઝીરો ખર્ચે ઉત્પાદન મેળવવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિમાં રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓના ઉપયોગ વિના માત્ર ગાય આધારિત ખેતી કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી કરવામાં આવે તો ઓછા ખર્ચે અનેક ફાયદાઓ મળે છે.
આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરીને પ્રાકૃતિક કૃષિ પાક-ઉપજો નિહાળી હતી. જિલ્લાના પ્રાકૃતિક કૃષિ અનુસરતા કૃષિકારોએ વિવિધ સ્ટોલ્સના માધ્યમથી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનું નિદર્શન કર્યુ હતું.
જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ શાબ્દિક સ્વાગત કર્યુ હતું. તેમણે જિલ્લાના પ્રાકૃતિક કૃષિ સંબંધિત અભિયાન અને કામગીરી વિશેની વિગતો આપી હતી. પ્રાકૃતિક કૃષિના પ્રચારક અને હિમાયતી એવા પ્રફુલભાઇ સેંજલીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. તેમણે અમરેલી જિલ્લો પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ખૂબ આગળ આવે તેવી શુભકામનાઓ પાઠવી વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે અનુરોધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.