ગુજરાતીમાં એક કહેવત છે કે સિંહના ટોળા ના હોય. પણ અમરેલી જિલ્લાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં હાલ આ કહેવતથી ઊલટું એક સિંહનું ટોળું જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લાના રસ્તા પરથી પસાર થઈ રહેલા 17 સિંહના ટોળાનો એક વીડિયો વાઈરલ થયો છે. સૂત્રોના મતે આ વીડિયો ખાંભા-તુલશીશ્યામ રેન્જનો હોવાનું જાણવા મળ્યું છે.
જવલ્લેજ જોવા મળતું દ્રશ્ય જોવા મળ્યું
ગીર જંગલ વિસ્તારમાં સામાન્ય રીતે ચાર પાંચ સિંહનું ટોળું જોવા મળતું હોય છે. પરંતુ, અમરેલી જિલ્લાના વિસ્તારનો માનવામા આવી રહેલા વીડિયોમાં નાના મોટા 17 સિંહ જોવા મળી રહ્યા છે. ગીર જંગલમાં આ પ્રકારનું દ્રશ્ય ભાગ્યે જ જોવા મળતું હોય છે.
ખાંભા-તુલસીશ્યામ રેન્જનો વીડિયો હોવાનું અનુમાન
સોશિયલ મીડિયામાં હાલ 17 સિંહના ગ્રુપનો જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે અમરેલી જિલ્લાની ખાંભા-તુલશીશ્યામ રેન્જના વિસ્તારનો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જે વીડિયો વાઈરલ થયો છે તે ખાંભા-તુલશીશ્યામ રેન્જ વિસ્તારમાં આવેલ પીપળવા ચતુરી રોડનો હોવાનું જાણવા મળ્યું છે. આ રસ્તા પર રાત્રિના સમયે નાના મોટા 17 સિંહનું એક ગ્રુપ પસાર થતું જોવા મળી રહ્યું છે.આ ગ્રુપ આ વિસ્તારમાં સૌથી મોટું ગ્રુપ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
અમરેલી જિલ્લામાં સિંહની સંખ્યામાં વધારો
અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે સિંહ રક્ષિત વિસ્તાર સિવાયના વિસ્તારમાં પણ જોવા મળે છે. ગીર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહના આંટાફેરાના બનાવોમાં પણ વધારો થયો છે.
રેવન્યુ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં પ્રથમવાર સિંહ દેખાયા- વિપુલ લહેરી
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા વીડિયો મુદ્દે પ્રતિક્રિયા આપતા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ કહ્યું હતું કે, સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં સિંહ જોવા મળતા હોય છે. પરંતુ, અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં એક સાથે 17 સિંહ દેખાયા હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ પ્રકારના દ્રશ્યો બાદ સરકાર સિંહની સુરક્ષા માટે ચિંતા કરે તે જરુરી છે.
ખાટલા પર ચાર બાળસિંહની તસવીર વાઈરલ થઈ હતી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં વાડી વિસ્તારમાં ખેડૂતના ખાટલા પર આરામ ફરમાવતા ચાર બાળસિંહની તસવીર ગઈકાલે જ વાઈરલ થઈ હતી. આ તસવીર સાવરકુંડલા રેન્જના ફોરેસ્ટર દ્વારા જ લેવામા આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.