તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:16 હજાર ખેડૂતોને વિજળીની વાટ, વાવાઝોડા બાદ ખેતીવાડીની લાઇન રીપેર કરવાનું કામ જ શરૂ થયું નથી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેતર વચ્ચે જ તૂટેલા વિજપોલ યથાવત પડ્યા છે - Divya Bhaskar
ખેતર વચ્ચે જ તૂટેલા વિજપોલ યથાવત પડ્યા છે

રાજુલા અને જાફરાબાદ પંથકમાં વાવાઝોડાના એક મહિના બાદ પણ ખેતીવાડીના 16 હજાર વીજ કનેક્શન ઠપ્પ છે. વીજ તંત્રએ વાવાઝોડામાં ખેતર વચ્ચે ધરાશાયી થયેલા વીજપોલને પણ હટાવવાની કામગીરી કરી નથી. આગામી દિવસોમાં વાડી વિસ્તારમાં વીજ પુરવઠો કાર્યરત નહી થાય તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી. જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ટીકુભાઇ વરૂએ જણાવ્યું હતું કે રાજુલા જાફરાબાદના ગામડામાં ખેતરમાં વાવાઝોડામાં પડી ગયેલ વીજપોલને આજદિન સુધી પીજીવીસીએલની ટીમે હટાવ્યા નથી.

વીજ તંત્ર બંને તાલુકામાં વાડીવિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક કાર્યરત નહીં કરે તો કોંગ્રેસ ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન હાથ ધરશે. તાલુકા પંચાયતના સદસ્ય અનિરૂદ્ધભાઈ વાળાએ જણાવ્યું હતું કે રાજુલા અને જાફરાબાદ પંથકના મોટાભાગના ગામડાઓમાં વાવણી થઈ ગઇ છે. લોકો કપાસનું વાવેતર કરી રહ્યા છે. પણ વરસાદ ખેંચાશે. ત્યારે વાડી વિસ્તારમાં લાઈટની જરૂર ઉભી થશે. પણ હજુ સુધી ખેતીવાડીના 16 હજાર વીજ કનેક્શન બંધ છે.

સરકાર અને ઉર્જામંત્રીનું ધ્યાન દોરાયું છે : પૂર્વ ધારાસભ્ય
રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરાભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે વાવાઝોડાના બાદ વાડી વિસ્તારમાં વીજળી મળી નથી. આ અંગે સરકાર અને ઉર્જામંત્રીને રજૂઆત કરવામાં આવી છે. તેમજ વીજ પુરવઠો તાત્કાલિક કાર્યરત કરવા વધુ પીજીવીસીએલની ટીમ ફાળવવા માંગણી કરી છે.

બે દિવસમાં વાડી વિસ્તારમાં કામગીરી શરૂ કરાશે : કાર્યપાલક ઈજનેર
સાવરકુંડલા વીજ વિભાગના કાર્યપાલક ઈજનેર નિનામાએ જણાવ્યું હતું કે રાજુલામાં બે દિવસમાં ખેતીવાડીના કનેક્શનની કામગીરી શરૂ કરાશે. તેમજ જાફરાબાદમાં વીજપોલ ઉભા કરવા માટે આવતીકાલે બે ટીમ રવાના કરવામાં આવશે. જ્યોતિગ્રામ ફિડરની કામગીરી પૂર્ણતાના આળે છે. જે બાદ આ ટીમોને વાડી વિસ્તારમાં કામગીરીમાં લગાડાશે.

અન્ય સમાચારો પણ છે...