કાર્યવાહી:યાર્ડના વેપારી પાસેથી 15 હજાર કિલો રેશનીંગના શંકાસ્પદ ચોખા ઝડપાયા

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુંડલાના એક જ વેપારી પાસેથી વારંવાર મળી રહ્યો છે જથ્થો
  • મામલતદારે રૂપિયા 6 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો

અમરેલી જિલ્લામા લોકોને અપાતુ અનાજ સસ્તી કિમતે ખરીદી મોટા પ્રમાણમા ભેગુ કરવામા આવતુ હોવાની વારંવાર ઉઠતી ફરિયાદ વચ્ચે સાવરકુંડલા માર્કેટીંગયાર્ડના એક વેપારી પાસેથી રેશનીંગના ચોખાનો 15 હજાર કિલોનો શંકાસ્પદ જથ્થો મામલતદારે ઝડપી લીધો છે. આ નેટવર્કને તોડવા નક્કર પગલાની જરૂર છે.

સાવરકુંડલાના નવનિયુકત મામલતદાર પ્રદિપસિંહ ગોહિલ તથા તેની ટીમના પુરવઠા નાયબ મામલતદાર સોલંકી અને જિલ્લા પુરવઠા નિરીક્ષક સોલંકીની ટીમ બાતમીના આધારે સાવરકુંડલા માર્કેટીંગયાર્ડ ખાતે દોડી ગઇ હતી. અહી મયુર ચોલેરા નામના વેપારી પાસે ચોખાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ચોખાનો આ જથ્થો ટ્રકમા ભરવામા આવી રહ્યો હતો. તે સમયે તંત્રએ અહી પહોંચી જઇ જથ્થો સીઝ કરી દીધો હતો.

મયુર ચોલેરા પાસેથી તંત્રને 15600 કિલો ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. તંત્રએ આ ચોખા ઉપરાંત ટ્રક અને વજનકાંટો વિગેરે મળી રૂપિયા છ લાખનો મુદામાલ સીઝ કરી દીધો હતો અને અનાજના આ જથ્થાને સરકારી ગોડાઉનમા મુકાવી દેવામા આવ્યો હતો. આગળની તપાસ અમરેલી જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા કરવામા આવશે. અહી જો આ જથ્થો રેશનીંગનો હોવાનુ ફલિત થશે તો કાનુની પગલા લેવામા આવશે.

કાળા બજાર: લોકો ચોખા 13 રૂપિયે અને ઘઉં 10 રૂપિયે કિલો વેચી દે છે
વ્યાજબી ભાવની દુકાન પરથી લોકોને તદન સસ્તા ભાવે 35 કિલો સુધીનુ અનાજ આપવામા આવે છે. મોટી સંખ્યામા લોકો આ અનાજ લઇ બારોબાર વેચી મારે છે. લેભાગુ તત્વો રીક્ષા અને વજનકાંટા લઇ ગલીએ ગલીએ ફરે છે અને 13 થી 14 રૂપિયે કિલો ચોખા અને 10 થી 11 રૂપિયા કિલો ઘઉંની ખરીદી કરી લેવાઇ છે. બાદમા મોટો જથ્થો ભેગો કરી વેચી દેવાય છે.

અન્ય સમાચારો પણ છે...