લીલીયા પંથકમા સાવજોની વસતિ કુદકેને ભુસકે વધી રહી છે. અને હાલમા આ વિસ્તારમા પાણીના કુદરતી સોર્સ ખતમ થઇ રહ્યાં હોય વનવિભાગ દ્વારા પાણીના નવા કૃત્રિમ 15 પોઇન્ટ શરૂ કરવા તજવીજ હાથ ધરવામા આવી છે.લીલીયા તાલુકામા ક્રાંકચના બાવળના જંગલથી લઇ ભોરીંગડા તથા આસપાસના વિસ્તારમા અને છેક અમરેલીના ચાંદગઢ સુધી સાવજોનો વસવાટ છે. આ વિસ્તારમા હાલમા 45થી વધુ સાવજો કુદરતના ખોળે પાંગરી રહ્યાં છે. આ સાવજોને શેત્રુજી અને ગાગડીયો નદી તથા આસપાસના વિસ્તારમાથી પાણીની જરૂરીયાત પુરી થાય છે.
સાવજોને પાણી મળી રહે તે માટે પાણીના કૃત્રિમ પોઇન્ટ ભરવાનુ શરૂ કરાશે
જો કે હાલમા ઉનાળાનો આરંભ થવા જઇ રહ્યો છે. જેના કારણે પાણીના આ કુદરતી સોર્સ સુકાવા લાગ્યા છે અને સાવજોને પાણી માટે આમથી તેમ ભટકવુ પડી રહ્યું છે.આ વિસ્તારમા પવનચક્કીથી સંચાલિત પાણીના 9 પોઇન્ટ હાલમા કાર્યરત છે. હવે સાવજો જે વિસ્તારમા પડાવ નાખીને પડયા હોય તે વિસ્તારમા જ તેમને પીવાનુ પાણી મળી રહે તે માટે પાણીના કૃત્રિમ પોઇન્ટ ભરવાનુ શરૂ કરાશે. ટેન્કરના ફેરા દ્વારા પાણીના આ કૃત્રિમ પોઇન્ટ શરૂ કરવામા આવશે. જુદાજુદા વિસ્તારમા અગાઉથી જ પાણીઓની કુંડીઓ બનાવેલી છે.
સાવજોને પાણી માટે દુરદુર સુધી ભટકવુ પડે
ઉપરથી મંજુરી આવ્યા બાદ પાણીની આ કુંડીઓ ભરવાનુ શરૂ કરી દેવાશે.શેત્રુજી નદીની કોતરો સાવજોને રહેઠાણ પુરૂ પાડે છે અને પાણીની જરૂરીયાત પણ પુરી પાડે છે. જો કે ચોમાસામા ભરાયેલુ પાણી સમય જતા ખારોપાટ હોવાના કારણે કડવુ બની જાય છે જેથી સાવજો તે પીતા નથી. ઉનાળાના આકરા તાપમા બાવળની કાટમા આશરો તો મળી રહે છે પરંતુ આ સાવજોને પાણી માટે દુરદુર સુધી ભટકવુ પડે છે.
તમામ વન્યપ્રાણીઓના પોઇન્ટ ઉપયોગી થશે: આરએફઓ
લીલીયાના આરએફઓ ગલાણીએ જણાવ્યું હતુ કે પવનચક્કીના 9 પોઇન્ટ ઉપરાંત વધુ 15 પોઇન્ટ કાર્યરત થતા સિંહ સહિતના તમામ વન્યપ્રાણીઓ માટે પીવાના પાણીની સુવિધા ઉભી થશે.
જંગલમાં ટેન્કરના 66 ફેરા
ગીરપુર્વમા 68 પાણીના પોઇન્ટ મજુરો દ્વારા ભરવામા આવી રહ્યાં છે. જયારે 66 પોઇન્ટ ટેન્કરના ફેરા દ્વારા ભરાઇ રહ્યાં છે. ઉપરાંત પવનચક્કી દ્વારા 26 પોઇન્ટ, ડિઝલ એન્જીન દ્વારા 10 પોઇન્ટ અને સોલાર વોટર પંપ દ્વારા 28 પોઇન્ટ ભરવામા આવી રહ્યાં છે.
ગીરપૂર્વ જંગલમાં પાણીના 268 પોઇન્ટ
બીજી તરફ ગીરપુર્વના ડીએફઓ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે આ ડિવીઝન નીચે સિંહ સહિતના વન્યપ્રાણીઓ માટે પાણીના 268 પોઇન્ટ છે જે પૈકી 65 કુદરતી પોઇન્ટ છે જયારે 203 પોઇન્ટ સ્ટાફ દ્વારા ભરવામા આવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.