બાબરા તાલુકાના નવાણીયામા રહેતા એક યુવક અને તેના બે મિત્રોએ ભાગીદારીમા જેતપુરના એક શખ્સ સાથે મળી માછલી ઉછેર કેન્દ્રનો પ્રોજેકટ શરૂ કર્યો હોય પરંતુ આ પ્રોજેકટને રઝળતો મુકી આ શખ્સે 14.25 લાખની છેતરપીંડી આચરતા આ બારામા તેની સામે ફરિયાદ નોંધાવાઇ છે.
રમેશભાઇ ધનજીભાઇ ચાવડાએ બાબરા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે સાતેક વર્ષ પહેલા જેતપુરમા રહેતા મોહિન્દરપુરી ચંદનપુરી ગોસાઇ કે જેઓને તે ઓળખતા હોય તેણે માછલી ઉછેર કેન્દ્ર વિશે માહિતી આપી હતી અને આ ઉદ્યોગમા સારો નફો છે તેમ જણાવ્યુ હતુ. માછલી ઉછેરના ઉદ્યોગ વિશે મહેશભાઇ પુનાભાઇ ચાવડા અને પ્રવિણભાઇ ભાયાભાઇ દાફડાને વાત કરેલ અને જણાવેલ કે આ કૃષિ આધારિત ઉદ્યોગ છે અને તેમા સારૂ વળતર મળે છે.
જેને પગલે રમેશભાઇના આ બંને મિત્રો ધંધામા રોકાણ કરવા તૈયાર થયા હતા. પ્રવિણભાઇ દાફડાની મોટા દેવળીયામા આવેલ જમીનમા ભાડા પેટે આ પ્રોજેકટ શરૂ કર્યો હતો. આમ ચારેય ભાગીદારોએ સમજુતી કરાર કરેલ અને આ પ્રોજેકટમા કુલ 19 લાખનુ રોકાણ નક્કી થયુ હતુ.
મોહિન્દરપુરીને ત્રણેય ભાગીદારોએ બે લાખ રુપિયા આપ્યા હતા. આ ઉપરાંત જેમ જેમ પૈસાની જરૂર હોય તેમ તેમ કુલ રૂપિયા 14.25 લાખ આપી દીધા હતા. જો કે મોહિન્દરપુરી આ પ્રોજેકટ રઝળતો મુકી ચાલ્યો ગયો હતો અને તેણે ત્રણેય ભાગીદારો સાથે 14.25 લાખની છેતરપીંડી આચરી હતી. બનાવ અંગે આર.બી.વાઘેલા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.