શાંતા બા જનરલ હોસ્પિટલ ખાતે 8 દિવસ પહેલા કેટલાક દર્દીઓના મોતીયાના ઓપરેશન કરવામાં આવ્યાં હતા. આ પૈકી 12 જેટલા દર્દીઓએ આંખમાં સોજા અને ઇન્ફેક્શનની ફરિયાદ કરી હતી. આ દર્દીઓ અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિતની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. કેટલાક દર્દીઓ આંખની રોશની પણ ગુમાવી હોવાનું જણાવી રહ્યા છે તેમજ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રીએ ગત રાત્રે જ તપાસના આદેશ આપ્યાં હતા. જેથી 7 અધિકારીઓની તપાસ ટીમની રચના કરવામાં આવી છે. બીજી તરફ હોસ્પિટલના સૂપરિનટેન્ડન્ટે કહ્યું કે, કેટલાક દર્દીઓએ પોતાની રીતે કાળજી લીધી ન હોય સોજા ચડી ગયો હોવો જોઈએ.
આરોગ્ય મંત્રીએ તપાસના આદેશ આપ્યાં
અમરેલીની શાંતા બા જનરલ હોસ્પિટલમાં છેલ્લા આઠ દિવસ દરમિયાન કેટલાક દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા બાદ 8 દર્દીને આંખમાં સોજા અને ઇન્ફેક્શન થયાની ફરિયાદ ઊઠી હતી. જેથી આ દર્દીઓને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કેટલાક દર્દીઓએ આંખની રોશની ગુમાવતા હોસ્પિટલની બેદરકારી ખૂલીને સામે આવી છે. ત્યારે આ સમગ્ર મામલાને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યાં છે. સરકાર દ્વારા 7 અધિકારીઓની તપાસ ટીમની રચના કરવામાં આવી છે જે ટીમ અમરેલીની સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે આવી પહોંચી હતી અને સિવિલના સૂપરિન્ટેન્ડન્ટ, ઓપરેશન કરનારા ડૉક્ટર્સ સહિતનાઓની પૂછપરછ હાથ ધરી હતી.
સિવિલ સૂપરિનટેન્ડન્ટ બચાવનો પ્રયાસ કર્યો
હોસ્પિટલના સૂપરિનટેન્ડન્ટ આર.એન.જીતિયાએ બચાવ કરતા જણાવ્યું કે, અમે દર્દીઓને રજા આપ્યાં બાદ કેટલીક કાળજી રાખવાનું કહીએ છીએ ત્યારે કેટલાક દર્દીઓએ પોતાની રીતે કાળજી લીધી ન હોય સોજા ચડી ગયો હોવો જોઈએ. 11 દર્દીઓને આંખમાં દેખાવાની અને દુખાવાની તકલીફ થઈ હતી, તેમાંથી કેટલાક દર્દીઓ સજા થઈને ઘરે પણ જતા રહ્યા છે અને કેટલાકની હજુ સારવાર ચાલી રહી છે જોકે, અમરેલીની સિવિલ હોસ્પિટલમાં આ પૈકી કોઈ પણ દર્દી સારવાર હેઠળ નથી. દર્દીઓને હજુ ફરી બોલાવ્યાં નથી પરંતુ તપાસ ટીમ આવશે તો દર્દીઓને બોલાવશું.
તપાસ ટીમના અધિકારી ચેતન મહેતાએ જણાવ્યું હતું કે, આ આખી ઘટનાની તપાસ હાલ ચાલું છે. તપાસ પૂર્ણ થયા બાદ જ અમે કહી શકશું, તપાસ માટે 7 લોકોની ટીમ બનાવવામાં આવી છે. દર્દી લાભુબેને બાબુભાઈ ધાનાણીએ જણાવ્યું હતું કે, ડૉક્ટરે ઑપરેશન કર્યું જે બાદ સવારે પાટો છોડ્યો ત્યારે મને દેખાતું નહતું. ત્યારે એમને ઘરે મોકલ્યાં જ્યાં મેં ટીંપા નાખ્યા અને પછી મને ફોન આવ્યો મેડમનો અને કહ્યું કે, તમારે રાજકોટ જવાનું છે. જેથી અમે ત્યા ગયા અને ત્યાં અમારું ફરીથી ઑપરેશન કર્યું અને પછી ફરીથી તપાસ કરાવા ગયા હતા, પણ હવે મારે ઑપરેશન નથી કરવું. મને કઈ દેખાતું નથી. મને દેખાવા મંડે તો સારું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.